રોજ વધતા પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારાથી જનતા હવે ત્રાહીમામ
નવીદિલ્હી: દેશમાં કોરોનાનાં કેસ ભલે શાંત થઇ રહ્યા છે, પરંતુ મોંઘવારીનો સાપ જાણે રોજ સામાન્ય જનતાને ડંખ મારી રહ્યો હોય તેમ દેખાઇ રહ્યુ છે. જણાવી દઇએ કે, કોરોના મહામારીનાં કારણે પહેલાથી જ સામાન્ય નાગરિકની કમર તૂટી ગઇ છે, ત્યારે લગભગ રોજ વધતા પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારાથી જનતા હવે ત્રાહીમામ પોકારી રહી છે.
આપને જણાવી દઇએ કે, ત્રણ દિવસ બાદ આજે ફરી તેલ કંપનીઓએ સામાન્ય માણસને મોટો ઝટકો આપ્યો છે, આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફરી વધારો થયો છે. આજે પેટ્રોલ ૩૧-૩૯ પૈસા અને ડીઝલ ૧૫-૨૧ પૈસા પ્રતિ લીટર મોંઘુ થઈ ગયું છે. જણાવી દઇએ કે, સોમવારે પેટ્રોલ ૨૮ પૈસા મોંઘુ થયુ હતું પરંતુ ડીઝલ ૧૬ પૈસા સસ્તુ થયુ હતું. વધતા જતા ભાવને કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતો આ સમયે રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. નોંધનીય છે કે, પેટ્રોલ અને ડીઝલનાં નવા ભાવ દરરોજ સવારે ૬ વાગ્યે બહાર પાડવામાં આવે છે.
નોંધનીય છે કે, ૫ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આવ્યા પછી ૪ મેથી પેટ્રોલનાં ભાવ ૪૦ ગણા અને ડીઝલનાં ભાવમાં ૩૮ ગણો વધારો થયો છે. જ્યારે જુલાઈ મહિનામાં, પેટ્રોલનાં ભાવમાં ૮ ગણો વધારો થયો છે અને ડીઝલનાં ભાવમાં ૫ ગણો વધારો થયો છે. વળી જાે રાજસ્થાનનાં શ્રી ગંગાનગરની વાત કરીએ તો અહી પેટ્રોલનાં ભાવમાં જાણેે આગ લાગી ગઇ છે, અહી પેટ્રોલ લિટર દીઠ રૂ.૧૧૨.૯૦ અને ડીઝલનો ભાવ પ્રતિ લિટર રૂ. ૧૦૩.૧૫ થઇ ગયો છે.
આજે વધેલા ભાવ વધારા બાદ હવે રાજધાની દિલ્હીમાં પેટ્રોલની નવી કિંમત ૧૦૧.૫૪ રૂપિયા થઈ ગઈ છે. બીજી બાજુ, જાે આપણે ડીઝલની વાત કરીએ, તો ડીઝલ ૮૯.૮૭ રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે. બીજી તરફ, મુંબઇમાં પેટ્રોલની કિંમત ૧૦૭.૫૪ રૂપિયા છે અને ડીઝલની કિંમત પ્રતિ લિટર ૯૭.૪૫ રૂપિયા છે. ચેન્નઇમાં પેટ્રોલ લિટર દીઠ ૧૦૨.૨૩ રૂપિયા અને ડીઝલ ૯૪.૩૯ રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે.
કોલકાતામાં પેટ્રોલ લિટર દીઠ ૧૦૧.૭૪ રૂપિયા અને ડીઝલ ૯૩.૦૨ રૂપિયા પ્રતિ લિટર છે. આ વધારા પછી દેશભરમાં તેલનાં ભાવ નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. ઉલ્લેખનીય છે કે, તમામ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ આઇઓસી, બીપીસીએલ અને એચપીસીએલનાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો દરરોજ વધઘટ કરતી રહે છે. પેટ્રોલ અને ડીઝલનાં નવા ભાવ દરરોજ સવારે ૬ વાગ્યે અપડેટ કરવામાં આવે છે. નવા દર સવારે ૬ વાગ્યાથી લાગુ થાય છે.