નાના દિકરાની કરીના કપૂર સાથેની તસવીર વાયરલ
મુંબઈ: કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનનો દીકરો તૈમૂર જન્મ્યો ત્યારથી ઈન્ટરનેટ સેન્સેશન બની ગયો છે. દર થોડા દિવસે સોશિયલ મીડિયા પર તૈમૂરની તસવીરો કે વિડીયો વાયરલ થતાં રહે છે. મીડિયાના ફોટોગ્રાફર્સ પણ તૈમૂરની એક ઝલક કેમેરામાં કેદ કરવા માટે પડાપડી કરતાં નજરે ચડ્યા છે. ત્યારે બીજા દીકરા સાથે આવું ના થાય તેનું ધ્યાન સૈફ-કરીનાએ રાખ્યું છે. કરીના અને સૈફે બીજા દીકરા જેહને મીડિયાથી દૂર રાખ્યો છે. સોશિયલ મીડિયા પર પણ કરીનાએ જેહનો ચહેરો દેખાય તેવી એકપણ તસવીર પોસ્ટ નથી કરી. જાેકે, આ માધ્યમ એવું છે કે અહીં લાંબા સમય સુધી કશું છૂપું નથી રહી શકતું. સોશિયલ મીડિયા પર કરીનાની બંને દીકરાઓ સાથેની અગાઉ ન જાેયેલી તસવીરો વાયરલ થઈ રહી છે.
કરીના કપૂરના ફેન ક્લબ પર બે તસવીરો સામે આવી છે. જેમાં તે પોતાના દીકરાઓ સાથે જાેવા મળી રહી છે. આ તસવીરો કરીનાની બુક પ્રેગ્નેન્સી બાઈબલમાં હોવાનો દાવો સોશિયલ મીડિયા પર થઈ રહ્યો છે. પહેલી તસવીરમાં કરીના મોટા દીકરા તૈમૂર સાથે જાેવા મળી રહી છે. આ તસવીર તૈમૂર નાનો હતો ત્યારની છે. જ્યારે બીજી તસવીર કરીનાના પાંચ મહિનાના દીકરા જેહની હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તસવીરમાં કરીના જેહના કપાળ પર ચુંબન કરતી જાેવા મળી રહી છે. ફેન ક્લ્બ્સના દાવા મુજબ, જાે ખરેખર આ તસવીર જેહની હોય તો તે પોતાના મોટાભાઈ તૈમૂર જેટલો જ ક્યૂટ અને આકર્ષક લાગી રહ્યો છે. જેહ અને કરીનાની આ તસવીર સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહી છે.
બેબોના ફેન્સ જેહની તસવીર પર ઓવારી ગયા છે. તેઓ જેહને અત્યંત ક્યૂટ અને સોહામણો કહી રહ્યા છે. કરીનાએ અગાઉ જેહની અમુક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. પરંતુ દરેક તસવીરમાં તેનો ચહેરો ના દેખાય તેનું ખાસ ધ્યાન રાખ્યું છે. સૈફ-કરીનાના દીકરા જેહના નામનો ખુલાસો ગત અઠવાડિયે જ થયો હતો. પહેલા ચર્ચા હતી કે, જેહ સૈફ-કરીનાના દીકરાનું હુલામણું નામ છે પરંતુ બાદમાં રણધીર કપૂરે પુષ્ટિ કરી હતી કે તેમના સૌથી નાના દોહિત્રનું નામ જેહ જ પાડવામાં આવ્યું છે. પારસીમાં જેહ નામનો અર્થ થાય છે લાવવું/આવવું. મતલબ સ્પષ્ટ છે કે, જેહ પટૌડી અને કપૂર પરિવારમાં અઢળક ખુશીઓ લઈને આવ્યો છે.