બંગાળમાં કાયદા જેવું કંઈ છે જ નહીં, શાસકનું જ ચાલે છે : માનવાધિકાર આયોગ
કોલકતા: બંગાળમાં વિધાનસભા ચૂંટણી પછી થયેલી હિંસાની તપાસ કરી રહેલા માનવાધિકાર આયોગે કોલકાતા હાઈકોર્ટમાં ઘણો જ ગંભીર રિપોર્ટ સબમિટ કર્યો છે. આયોગે હિંસાને લઈને કોર્ટને કહ્યું કે બંગાળમાં કાયદાનું શાસન જ નથી, પરંતુ શાસકનો જ કાયદો ચાલે છે. બંગાળ હિંસાના મામલે તપાસ રાજ્યની બહાર થવી જાેઈએ.
૧૩ જુલાઈમાં કોર્ટમાં રજૂ કરાયેલા રિપોર્ટમાં કેટલીક ન્યૂઝ ચેનલ અને વેબસાઈટ પરના ખુલાસા બાદ મમતા બેનર્જીએ વાંધો ઉઠાવ્યો છે. મમતાએ કહ્યું કે આયોગને ન્યાયપાલિકાનું સન્માન કરવું જાેઈએ અને આ રિપોર્ટને લીક ન કરવો જાેઈએ. આ રિપોર્ટને માત્ર કોર્ટની સામે જ રાખવો જાેઈએ.
આયોગની રિપોર્ટના ૪ સૌથી મોટા પોઈન્ટ છે તેમાં ૧. બંગાળ ચૂંટણી પછી થયેલી હિંસાના મામલે તપાસ સીબીઆઇ પાસે કરાવી જાેઈએ. મર્ડર અને રેપ જેવા ગંભીર ગુનાઓની તપાસ થવી જાેઈએ.૨. બંગાળમાં મોટા પાયે થયેલી હિંસા એ દેખાડે છે કે પીડિતોની દુર્દશાને લઈને રાજ્યની સરકારે ભયાનક રીતે ઉદાસિનતા દાખવી છે.૩. હિંસાના મામલે જાહેર થાય છે કે આ સત્તાધારી પાર્ટીના સમર્થનથી થયું છે. આ તે લોકોથી બદલો લેવા માટે કરવામાં આવી, જેઓએ ચૂંટણી દરમિયાન બીજી પાર્ટીને સમર્થન આપવાની હિંમત કરી.૪. રાજ્ય સરકારના કેટલાક લોકો અને અધિકારી હિંસાની આ ઘટનાઓમાં મૂક દર્શક બની રહેલા અને કેટલાક આ હિંસક ઘટનાઓમાં પોતે જ સામેલ થયા હતા.
મમતાએ કહ્યું કે વડાપ્રદાન મોદી સારી રીતે જાણે છે કે યુપીમાં કાયદાનું રાજ નથી. આવી સ્થિતિમાં ત્યાં કેટલા આયોગ મોકલવામાં આવ્યા છે? હાથરસથી લઈને ઉન્નાવ સુધીની અનેક ઘટનાઓ ઘટી છે. સ્થિતિ એ છે કે પત્રકારોને પણ છોડવામાં નથી આવ્યા, પરંતુ તેઓએ બંગાળને બદનામ કર્યું. મોટા ભાગની હિંસા ચૂંટણી પહેલાં જ થઈ છે. આ પહેલાં ૨ જુલાઈનાં રોજ કોલકાતા હાઈકોર્ટે માન્યું હતું કે બંગાળમાં વિધાનસભા ચૂંટણી પછી હિંસા થઈ. કોર્ટે મમતા સરકારને ખોટી ગણાવતા કહ્યું હતું કે જ્યારે લોકો મરતા હતા અને સગીરો સાથે રેપ થતો હતો ત્યારે સરકાર તેને નકારી રહી હતી જે ખોટી વાત છે. હિંસાનો ભોગ બનેલા લોકો વચ્ચે બંગાળ સરકાર વિશ્વાસનું વાતાવરણ ઊભું કરવામાં નિષ્ફળ રહી છે.
જે બાદ ૧૩ જુલાઈનાં રોજ કોલકાતા હાઈકોર્ટે ભાજપના કાર્યકર્તા અભિજીત સરકારના મૃતદેહનો ડીએનએ ટેસ્ટ કરાવવાનો આદેશ આપ્યો હતો. બંગાળમાં વિધાનસભા ચૂંટણી પછી થયેલી હિંસામાં બેલિયાગાઠાના અભિજીત સરકારની હત્યા કરી દેવાઈ હતી. આરોપ લગાવાયો હતો કે અભિજીતનું મર્ડર તૃણુમૂલના સમર્થકોએ કર્યું છે. જે બાદ તેમના પરિવારે હાઈકોર્ટમાં અપીલ કરી હતી.