મેહુલ ચોક્સીએ ભારતીય તપાસ એજન્સીઓ પર અપહરણ સહિત અનેક આરોપ લગાવ્યા

એન્ટીગુઆ: ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સી ડોમિકનિકામાં જામીન મળ્યા બાદ એન્ટીગુઆ પહોંચી ગયો છે. એન્ટીગુઆ પહોંચ્યા બાદ મેહુલ ચોક્સીએ ભારતીય તપાસ એજન્સીઓ પર અપહરણ અને કારોબાર બંધ કરાવવા સહિત અનેક આરોપ લગાવ્યા છે.
મેહુલ ચોક્સીએ ન્યૂઝ એજન્સી સાથે વાતચીતમાં કહ્યું કે હું ઘરે પાછો આવી ગયો છું. પરંતુ આ યાતનાઓએ મારા આત્મા પર સાઈકોલોજિકલ અને ફિઝિકલ રીતે સ્થાયી નિશાન છોડ્યા છે. હું વિચાર્યું પણ નહતું કે ભારતીય એજન્સીઓ દ્વારા મારો બધો વેપાર બંધ કરાવવા અને મારી તમામ સંપત્તિઓ જપ્ત કર્યા બાદ મારા અપહરણનો પ્રયત્ન કરાશે.
ભાગેડુ મેહુલે વધુમાં કહ્યું કે ‘હું ભારતમાં મારી નિર્દોષતા સાબિત કરવા માટે પાછા ફરવાનો વિચાર કરી રહ્યો છું. મારા અપહરણ બાદ છેલ્લા ૫૦ દિવસથી મારી હેલ્થ કન્ડિશન ખરાબ છે અને કઈક વધારે જ ખરાબ થઈ ગઈ છે. હું ભારતમાં મારી સુરક્ષાને લઈને શંકા સેવી રહ્યો છું. મને ખબર નથી કે હું સામાન્ય શારીરિક કે માનસિક સ્થિતિમાં પાછો ફરીશ.’
મેહુલ ચોક્સીએ કહ્યું કે ‘અનેકવાર મે એજન્સીઓને મારી પૂછપરછ કરવા માટે એન્ટીગુઆ આવવા માટે કહ્યું, કારણ કે સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે હવે હુ મુસાફરી કરી શકતો નથી, હું એજન્સીઓના સહયોગ માટે હંમેશા ઉપલબ્ધ છું. પરંતુ આ અમાનવીય અપહરણની મને આશા નહતી.’
ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સી ગેરકાયદેસર રીતે ડોમિનિકામાં પ્રવેશના આરોપમાં ૫૧ દિવસ સુધી કસ્ટડીમાં રહ્યો. ભારતથી ફરાર થયા બાદ ચોક્સી ૨૦૧૮થી એન્ટીગુઆ અને બાર્બૂડામાં રહે છે. તેણે ત્યાંની નાગરિકતા પણ લીધી છે. ચોક્સી વિરુદ્ધ ડોમિનિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાનો આરોપ છે. જ્યારે તેના વકીલોએ દાવો કર્યો છે કે આ તેના અપહરણનું ષડયંત્ર હતું. ડોમિમિકા હાઈકોર્ટે ચોક્સીને સારવાર માટે જામીન આપ્યા છે.
અત્રે જણાવવાનું કે પંજાબ નેશનલ બેંક સંબંધિત ૧૩,૫૦૦ કરોડ રૂપિયાના કૌભાંડમાં વોન્ટેડ હીરા વેપારી મેહુલ ચોક્સી ૨૩ મેના રોજ એન્ટીગુઆ અને બાર્બૂડાથી શંકાસ્પદ સ્થિતિમાં ગૂમ થયો હતો. ત્યારબાદ તે પાડોશી દેશ ડોમિનિકામાં ગેરકાયદેસર રીતે દાખલ થવાના આરોપમાં અટકાયતમાં લેવામાં આવ્યો હતો.