ધોરણ૧૦ કે ધો.૧૨ ભણેલા ૧૪ નકલી ડોક્ટરો ઝડપાયા
અમદાવાદ: કોરોનાના કપરા સમયને કેટલાક રૂપિયાના લાલચું લોકોએ જાણે કે રૂપિયા કમાવવાની ઉત્તમ તક સમજી બેઠા હોય તેમ લાગી રહ્યું છે. આવા સમયમાં લોકોની જીંદગી સાથે રમત કરતા બનાવટી ડોકટરોનો પણ રાફડો ફાટ્યો છે. માત્ર અમદાવાદ ગ્રામ્યમાં જ ચાલુ વર્ષે ૧૪ જેટલા બનાવટી ડોકટરો ઝડપાયા છે.
કોરોના કાળમાં બનાવટી દવા ઓ, ઇન્જેક્શન સહિતના અનેક કૌભાંડો સામે આવ્યા છે. લોકો માનવતા ભૂલીને નિર્દોષ લોકોની જિંદગી સાથે રમત કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે આવા સંજાેગોમાં બનાવટી ડોકટરો નો પણ રાફડો ફાટ્યો છે.
રાજ્યમાં બનાવટી ડોકટરો એ દવાખાના ખોલી દીધા હોવાનું સામે આવતા રાજ્યના પોલીસ વડાએ ખાસ ડ્રાઈવ રાખીને આવા ડોકટરો સામે કાર્યવાહી કરવા માટેના આદેશ કર્યા હતા. જેમાં ચાલુ વર્ષે માત્ર અમદાવાદ ગ્રામ્યમાંથી ૧૪ બનાવટી ડોકટરો મળી આવ્યા છે.
ખાસ ડ્રાઈવ અંતર્ગત ગ્રામ્ય પોલીસએ અલગ અલગ વિસ્તારમાં ક્લિનિક ચલવતા ડોકટરોને ત્યાં તપાસ કરી હતી. જેમાં ૨૫૦ જેટલા ડોકટરોની તપાસમાં ૧૪ બનાવટી ડોકટરો મળી આવ્યા છે. જેમણે ૧૦ પાસ કે ૧૨ પાસ સુધીનો અભ્યાસ કરી ખાનગી હોસ્પિટલોમાં કમ્પાઉન્ડર કે વોર્ડ બોય તરીકે કામ કરીને ક્લિનિક ખોલી નાખ્યાં હતાં. પોલીસે આ તમામ લોકો સામે કાયદેસર કાર્યવાહી કરીને વધુ તપાસ શરૂ કરી છે. આ તમામ ડોકટરો પાસે ડિગ્રીના હોવા છતાં ક્લિનિક શરૂ કરીને લોકોની સારવાર કરતા હતા.