કુબેરનગરમાં જાહેરમાં તલવારથી કેક કાપવાનો વધુ એક વીડિયો વાઈરલ
અમદાવાદ, શહેરમાં એક પછી એક રોડ પર એકઠા થઈ તલવારથી કેક કટિંગ કરવાની જાણે કે ફેશન ચાલે છે. આ અગાઉ બાપુનગર, ગોમતીપુર, વેજલપુર સહિતના વિસ્તારમાં તલવારથી કેક કટિગ કરવાના વીડિયો વાઈરલ થયા હતા. આ અંગે પોલીસ હરકતમાં આવી હતી અને કેક કટિંગ કરનારા લોકોની ધરપકડ કરી હતી.
તેમ છતાં હજુ પણ જાણે પોલીસનો કોઈ ડર જ ન હોય તેમ કુબેરનગર વિસ્તારમાં એક યુવકનો તલવારથી કેક કાપવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવી રહ્યો છે.
કુબેરનગરમાં રહેતા એક યુવક સહિત કેટલાક લોકો માસ્ક પહેર્યા વિના અને સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વિના તલવારથી કેક કાપતા હતા. આ બાબતનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થયો હતો. ત્યારબાદ પોલીસ હકરતમાં આવી હતી અને પોલીસ દ્વારા વીડિયોના આધારે યુવક સાથે દેખાતા અન્ય શખ્સોની પણ તપાસ આદરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે જાહેરમાં તલવારથી કેક કાપી પોલીસના જાહેરનામાનો ભંગ કરવાના અનેક બનાવ અગાઉ પણ બન્યા હતા અને ત્યારે પોલીસ દ્વારા ફરિયાદ નોંધીને જાહેરાં જન્મદિવસની ઉજવણી કરનારા સામે કાયદેસરના પગલાં ભરી તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી.
જ્યારે આ વીડિયોમાં દેખાતા શખ્સને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
મહત્વની વાત તો એ છે કે અગાઉ રાત્રે કરફ્યુ હોવા છતાંય આ નબીરાઓએ જાણે કોઈનો ડર ના હોય તેમ તલવારથી કેક કટિંગ કર્યુ હતું અને મિત્રો સાથે કલવારથી કેક કટિંગ કરી વીડિયો વાઈરલ કરતાં પોલીસે આ નબીરાઓને કાયદાનો પાઠ ભણાવ્યો હતો.
અગાઉ પણ બાપુનગર, વેજલપુર વિસ્તારમાં આવી જ ઘટનાઓ બની હતી, જેમાં વીડિયો વાઈરલ થતાં જ પોલીેસે કડક કાર્યવાહી કરી હતી. હવે ફરી વાર પણ આવી ઘટના સામે આવતાં પોલીસે આરોપીઓ વિરૂધ્ધ અલગ અલગ ગુના નોંધી કડક કાર્યવાહી હાથ ધરી છે.