શિવરંજની હિટ & રન કેસમાં કોર્ટે આરોપી પર્વ શાહના જામીન ફગાવ્યા
(હિ.મી.એ),અમદાવાદ, અમદાવાદના બહુચર્ચિત શિવરંજની હિટ એન્ડ રન કેસ મામલે આરોપી પર્વ શાહને મિરઝાપુર કોર્ટે પર્વ શાહને જાેરદાર ઝટકો આપ્યો છે. પર્વ શાહ દ્વારા કોર્ટમાં જામીન માટે અરજી કરવામાં આવી હતી. પણ મિરઝાપુર કોર્ટે પર્વ શાહના જામીન ફગાવી દીધા હતા. શિવરંજની હિટ એન્ડ રન કેસમાં એક મહિલાનું મોત નિપજ્યું હતું અને ૩ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
કોર્ટમાં એન ડિવિઝન ટ્રાફિક પોલીસે જવાબ રજૂ કરીને રજૂઆત કરી હતી કે, ‘અકસ્માત સ્થળ પાસેના અમુલ પાર્લરના સીસીટીવી ફુટેજને તપાસ માટે ફોરેન્સિક તપાસ માટે મોકલાયેલા છે, અકસ્માત બાદ, તે કાર મૂકીને ભાગી ગયો હતો. પર્વ શાહની કોલ ડિટેઈલના આધારે પ્રસ્થાપિત થયું છે કે, તે ઘટના સ્થળે હતો.
પર્વને જામીન મળશે તો, પુરાવાઓ અને સાક્ષી સાથે ચેડા કરવાની સંભાવના રહેલી છે. તપાસમાં અવરોધ ઉભો કરી શકે છે, જેથી તેને જામીન આપો નહીં. આમ જામીન અરજી વિરોધમાં કરવામાં આવેલાં નિવેદનોને ધ્યાને લઈને કોર્ટે આરોપી પર્વ શાહના જામીન નામંજુર કર્યા હતા.
જૂન મહિનાના અંતભાગમાં શિવરંજની ચાર રસ્તાથી બીમાનગર જવાના રસ્તા પર થયેલા હિટ એન્ડ રન કેસમાં આરોપી પર્વ શાહે મિરઝાપુર કોર્ટમાં જામીન અરજી કરી હતી. અરજીમાં અરજદારની રજૂઆત છે કે, આ કેસની તપાસમાં તે સહકાર આપી રહ્યો છે, તે નિર્દોષ છે. કોર્ટ જે પણ શરતો રાખશે તેનુ તે પાલન કરવા તૈયાર છે.
કેસની વિગત મુજબ જૂન માસના અંત ભાગમાં અમદાવાદ શહેરના શિવરંજની ચાર રસ્તાથી બીમાનગર જવાના રસ્તે રાત્રે ૧૨.૪૦ કલાકે પૂરપાટ ઝડપે કાર ચલાવીને આવી રહેલા પર્વ શાહે ફૂટપાથ પર સુતેલા મજૂર પરિવારને કચડી નાખ્યો હતો. આ અકસ્માતમાં એક મહિલાનું મોત નીપજ્યું હતુ અને અન્ય ત્રણ લોકો ઘાયલ થયા હતા. મૃતક મહિલા મધ્યપ્રદેશની છે.
આ અકસ્માત નજીકના સીસીટીવીમાં કેદ થયેલો છે. આ કેસની ફરિયાદ એન ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી છે. અકસ્માત બાદ, પોલીસે આ કેસમાં મુખ્ય આરોપી પર્વ શાહની ધરપકડ કરી હતી. આ કેસમાં ફરિયાદ બાદ, પોલીસે પર્વ સામે સાઅપરાધ માનવ વધની કલમને ઉમેરેલી છે અને તપાસ કરી હતી