પંજાબમાં હાઈ કમાન્ડના હસ્તક્ષેપથી કેપ્ટન નારાજ
ચંડીગઢ: પંજાબ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ અટકવાનું નામ લેતો નથી. હવે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે સોનિયા ગાંધીને પત્ર લખીને નારાજગી વ્યક્ત કરી છે. અમરિન્દર સિંહે પત્ર લખીને કહ્યું છે કે હાઈ કમાન જબરદસ્તીથી પંજાબ સરકાર અને પંજાબ કોંગ્રેસના રાજકારણમાં હસ્તક્ષેપ કરી રહી છે અને કોંગ્રેસ હાઈ કમાને પંજાબ રાજ્યને સમજવું જાેઈએ. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે સોનિયા ગાંધીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે ‘પંજાબમાં હાલાત એટલા અનુકૂળ નથી અને પાર્ટીમાં હાઈ કમાન દ્વારા કરવામાં આવી રહેલા હસ્તક્ષેપ અને ર્નિણયોનું નુકસાન આવનારા દિવસોમાં પાર્ટી અને સરકાર બંનેને ઉઠાવવું પડી શકે છે.’
કેપ્ટનના આ પત્રના કારણે નવજાેત સિંહ સિદ્ધુની પંજાબ કોંગ્રેસ અધ્યક્ષની તાજપોશી અદ્ધરતાલે જતી રહી છે. મુખ્યમંત્રી અમરિન્દર સિંહ અને તેમના સમર્થક નેતાઓ પૂર્વ મંત્રી નવજાેત સિંહ સિદ્ધુને પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ બનાવવાની વિરુદ્ધમાં છે. અમરિન્દર સિંહે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને અપીલ પણ કરી કે સિદ્ધુને પ્રદેશ અધ્યક્ષ બનાવવાથી આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીતની સંભાવના પર પ્રતિકૂળ પ્રભાવ પડશે. તેમણે આ પત્ર એવા સમયે લખ્યો છે કે જ્યારે એવી ચર્ચા છે કે કોંગ્રેસ હાઈકમાન સિદ્ધુને પ્રદેશ અધ્યક્ષ અને કોઈ અન્ય મહત્વપૂર્ણ ભૂમિકા આપી શકે છે. આ બધા વચ્ચે સિદ્ધુએ શુક્રવારે દિલ્હીમાં સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી. આ બાજુ સૂત્રોનું એ પણ કહેવું છે કે પંજાબ પ્રભારી હરીશ રાવત અમરિન્દર સિંહ સાથે શનિવારે મુલાકાત કરી શકે છે. જેથી કરીને તેમને મનાવી શકાય અને સમાધાનના ફોર્મ્યૂલાને અંતિમ સ્વરૂપ આપી શકાય.
આ બાજુ કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનીષ તિવારીએ પાર્ટીની પંજાબ શાખાના અધ્યક્ષ પદ માટે સિદ્ધુના નામની ચર્ચા વચ્ચે શુક્રવારે પ્રદેશની વસ્તીના ધાર્મિક અને જાતિગત આંકડા રજુ કરતા પરોક્ષ રીતે એ વાતનું સમર્થન કર્યું કે આ પદની જવાબદારી હિન્દુ સમુદાયના કોઈ નેતાને મળવી જાેઈએ. પંજાબ કોંગ્રેસના નેતા પવન દીવાને પણ કહ્યું કે પ્રદેશ અધ્યક્ષ બનાવવાની સ્થિતિમાં મંત્રી વિજય ઈન્દર સિંઘલા અને સાંસદ સંતોષ ચૌધરીને કાર્યકારી અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવી શકે છે.
નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી પંજાબ કોંગ્રેસમાં ખુલીને આંતરિક વિખવાદ જાેવા મળી રહ્યો છે. પૂર્વ મંત્રી નવજાેત સિંહ સિદ્ધુ અને અન્ય કેટલાક નેતાઓએ મુખ્યમંત્રી અમરિન્દર સિંહ વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. પાર્ટીમાં કલેહ દૂર કરવા માટે કોંગ્રેસ હાઈકમાને રાજ્યસભામાં નેતા પ્રતિપક્ષ મલ્લિકાર્જૂન ખડગેની અધ્યક્ષતામાં ૩ સભ્યોની સમિતિની રચના કરી હતી. આ સમિતિએ મુખ્યમંત્રી સમેત પંજાબ કોંગ્રેસના ૧૦૦થી વધુ નેતાઓના પ્રતિભાવ જાણ્યા અને પછી પોતાનો રિપોર્ટ હાઈ કમાનને સોંપ્યો. તાજેતરમાં અમરિન્દર સિંહે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની મુલાકાત કરી હતી. સિદ્ધુ પણ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને મળ્યા હતા.