કોરોનાની બીજી લહેરમાં રસીના બંને ડોઝ લેનારનો મૃત્યુઆંક નીચો
નવી દિલ્હી: કોરોનાની ત્રીજી લહેરને લઈને આશંકાઓની વચ્ચે શુક્રવારે નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલે આઈસીએમઆરના એક સ્ટડીને ટાંકીને કહ્યું કે, બીજી લહેર દરમિયાન રસીના બન્ને ડોઝ લેનાર હાઈ રિસ્કવાળા પોલીસકર્મીઓની વચ્ચે ૯૫ ટકા કોરોના મોતથી બચ્યા છે. દેશમાં બીજી લહેર માટે ડેલ્ટા વેરિઅન્ટને જવાબદાર ગણવામાં આવે છે.
આઈસીએમઆરના અભ્યાસમાં તમિલનાડુમાં ૧,૧૭,૫૨૪ પોલીસકર્મીઓમાં રસીની અસરકારકતાનું આકલન કરવામાં આવ્યું. તેમણે કહ્યં કે, તેમાંથી ૬૭,૬૭૩ પોલીસકર્મીને બે ડોઝ અને ૩૨,૭૯૨ને એક ડોઝ આપવામાં આવ્યો હતો જ્યારે ૧૭,૦૫૯ પોલીસકર્મીને એક પણ ડોઝ આપવામાં આવ્યો ન હતો.
ડો. પોલે કહ્યું કે, રસી ન લેનાર ૧૭૦૫૯ પોલીસકર્મીમાંથી ૨૦ના મોત કોરોનાને કારણે થયા, જ્યારે ઓછામાં ઓછો એક ડોઝ લેનાર પોલીસકર્મીમાંથી માત્ર ૭ના જ મોત કોરોનાને કારણે થયા. જ્યારે રસીના બન્ને ડોઝ લેનાર ૬૭૬૭૩ પોલીસકર્મીમાંથી માત્ર ચારના મોત જ કોરોનાને કારણે થયા. પોલે કહ્યું કે, આ રીતે રસી ન લેનાર પ્રતિ એક હજાર પોલીસકર્મીમાં મૃત્યુ દર ૧.૧૭ ટકા હોય છે. રસીનો એક ડોઝ લેનારમાં પ્રતિ એક હજાર પર મૃત્યુ દર ૦.૨૧ ટકા છે અને બન્ને ડોઝ લેનારમાં મૃત્યુ દર ૦.૦૬ ટકા રહ્યું.
સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, ૧૬ જુલાઈ સુધી દેશભરમાં ૩૯ કરોડ ૯૬ લાખ ૯૫ હજાર કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે ૪૨ લાખ ૧૨ હજાર ડોઝ આપવામાં આવ્યા. જ્યારે ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ (આઈસીએમઆર) અનુસાર, અત્યાર સુધી ૪૪ કરોડ ૨૦ લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૯.૯૮ લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા, જેનો પોઝિટિવીટી રેટ ૩ ટકાથી ઓછો છે.
૧૭ જુલાઈના રોજ દેશમાં કોરોના એક્ટિવ કેસ ચાર લાખથી વધારે છે. દેશમાં ૪ લાખ ૨૪ હજાર લોકો હાલમાં કોરોનાથી સંક્રમિત છે જેમની સારવાર ચાલી રહી છે. કોરોનાથી અત્યાર સુધી કુલ ૪ લાક ૧૩ હજાર ૯૧ લોકોના મોત થયા છે. સારી વાત એ છે કે અત્યાર સુધી કુલ ૩ કરોડ ૨ લાખ ૨૭ હજાર લોકો ઠીક થયા છે. મહામારીની શરૂઆતથી અત્યર સુધી કુલ ૩ કરોડ ૧૦ લાખ ૬૪ હજાર હજાર લોકો સંક્રમિત થયા છે.