ખાનગી શાળા સંચાલકોની સ્કૂલો શરૂ કરવાની માંગ
ખાનગી શાળા સંચાલકો સરકારને રજૂઆત કરશે
અમદાવાદ, કોરોનાના કેસ ઘટતાં સરકાર દ્વારા નિયંત્રણો હટાવી દેવામાં આવ્યા છે. પરંતુ સરકાર દ્વારા શાળાઓ ખોલવા માટે મંજૂરી ન અપાતા ખાનગી શાળા સંચાલકો વધુ અકળાયા છે. કારણ કે, સરકારી સ્કૂલોમાં વર્ગો ઓફલાઈન શરૂ કરી દેવામાં આવ્યાં છે. કોલેજમાં પણ ઓફલાઈન શિક્ષણ શરૂ થઈ ગયું છે.
ત્યારે ર્સ્વનિભર શાળા સંચાલક મંડળે સરકાર સમક્ષ તમામ શાળાઓ શરૂ કરવાની માંગ કરી છે. જાે તેમની માંગ નહીં સ્વીકારાય તો તેઓએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. આ મુદ્દે સંચાલક મંડળ આવતીકાલે સરકારને રજૂઆત કરશે.
સરકાર દ્વારા શાળાઓ ખોલવા માટે મંજૂરીની જાહેરાત ન કરાતા સંચાલકો હવે આક્રમક બનશે.
સંચાલકો દ્વારા પ્રથમ તબક્કામાં ધોરણ-૯થી ૧૨ની શાળાઓ શરૂ કરવાની માંગણી સાથે સોમવારે તમામ જિલ્લા મથકો પર જિલ્લાના શિક્ષણાધિકારીને શાળાઓ ખોલવા માટે આવેદન પત્ર અપાશે. તેમ છતાંય શાળા ખોલવાની માંગણી નહીં સ્વીકારાય તો સંચાલકો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં સરકાર દ્વારા ટ્યૂશન ક્લાસીસ, સરકારી શાળાઓ દ્વારા શેરી શાળાઓ, ધાર્મિક સ્થળો, સ્વિમિંગ પૂલ અને ટ્રાવેલ્સની બસો સહિત તમામ વાણિજ્ય-વ્યવસ્યાને કોવિડ ગાઈડલાઈન અનુસાર ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. પરંતુ ખાનગી શાળાઓના વાલીઓ શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સંચાલકોની લાંબા સમયથી શાળાઓ ખોલવા માટેની માંગણીને કોઈ કારણોસર અણદેખી કરવામાં આવી રહી છે.