Western Times News

Gujarati News

મોદીએ કહ્યું : તમારા ઘર અને ઓફિસને સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત કરો

મથુરાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે મથુરામાં સ્વચ્છતા હી સેવા અભિયાનની શરૂઆત કરી. તેમણે કહ્યું કે નદી અને તળાવમાં રહેતા પ્રાણીઓ પ્લાસ્ટિકને ગળી જાય પછી તેમને બચાવવા મુશ્કેલ થઈ જાય છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી છુટકારો મેળવવો જ પડશે. આપણે એવી કોશિશ કરવાની છે કે આ વર્ષે 2 ઓક્ટોબર સુધીમાં ઘર, ઓફિસ સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી મુક્ત થાય. સિંગલ યુઝ પ્લાસ્ટિક એટલે કે એવું પ્લાસ્ટિક જે એક વાર વાપરીને ફેંકવામાં આવે છે.

મોદીએ મથુરામાં કચરો વીણનારી મહિલાઓ સાથે પણ મુલાકાત કરી હતી. વડાપ્રધાને મથુરા માટે 1,000 કરોડથી વધુની યોજનાઓનો શિલાન્યાસ કર્યો છે. મોદીએ વેટરનરી વિશ્વવિદ્યાલયમાં પશુ આરોગ્ય મેળાનું ઉદ્ધાટન કર્યું. વડાપ્રધાને મેળામાં ખેડૂતો સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે એ જાણવાની કોશિશ કરી કે સરકારની યોજનાઓનો લાભ ખેડૂતોને મળી રહ્યો છે કે નહિ. પીએમએ પ્રદર્શનનું પણ અવલોકન કર્યું. તેમાં ઘણી ટેકનિકોનો પ્રયોગ કરવામાં આવ્યો છે.

થોડા દિવસો બાદ આપણે બાપુની 150મી જયંતીની ઉજવણી કરીશું. મહાત્મા ગાંધીએ સ્વચ્છતાને મહત્વ આપ્યું હતું. આપણે તેમાંથી શીખવું જોઈએ. એ જ તેમને સાચી શ્રદ્ધાંજલિ છે. સ્વચ્છતા જ સેવા પાછળ પણ આ જ ભાવના જોડાયેલી છે. આજથી શરૂ થયેલા અભિયાનને પ્લાસ્ટિકથી થતા કચરાથી મુક્તિ માટે સમર્પિત કરવામાં આવ્યું છે.

મોદીએ કહ્યું કે આજે સ્વચ્છતા જ સેવા અભિયાનની શરૂઆત કરવામાં આવી. નેશનલ અનિમલ ડિસિસ પ્રોગ્રામને પણ શરૂ કરવામાં આવ્યો. પશુઓના સ્વાસ્થ્ય સંવર્ધન અને પોષણ સાથે જોડાયેલી યોજનાઓની પણ શરૂઆત કરવામાં આવી છે. મથુરાના પર્યટન સાથે જોડાયેલી પણ ઘણી યોજનાઓની શરૂઆત કરવામાં આવી છે.

આ સમસ્યા સમયની સાથે-સાથે ગંભીર બની રહી છે. વ્રજવાસીઓ સારી રીતે જાણે છે કે કઈ રીતે પ્લાસ્ટિક પશુઓના મોતનું કારણ બની રહ્યું છે. સમગ્ર દેશમાં કામ કરી રહેલા તમામ હેલ્થ ગ્રુપ, સિવિલ સોસાયટી, યુવા મંડળ, મહિલા મંડળ, ક્લબ, સ્કુલ, કોલેજોને સિંગલ યુઝ પ્લાસ્ટિક ખત્મ કરવાના મિશનમાં સામેલ થવાનો આગ્રહ કરુ છું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.