કોટ વિસ્તારમાં વધુ વ્યાજ કમાવવાની લાલચ આપી લાખો રૂપિયા પડાવતી ટોળકી સક્રિય
આ ટોળકી પહેલાં સમયસર વ્યાજ આપે છે, ત્યારબાદ લોકોને ઘરે બોલાવી હાથ ઊંચા કરી દે છે
અમદાવાદ, શહેરમાં વ્યાજખોરોનો આતંક એટલો બધો વધી ગયો છે કે પોલીસ ધારે તો પણ વ્યાજખોરીના નેટવર્કને ખતમ કરી શકતી નથી, પરંતુ વ્યાજખોરોના સ્વાંગમાં ચીટિંગ કરતી ટોળકી પણ અમદાવાદમાં સક્રિય થઇ છે, જે ઊંચા વ્યાજે રૂપિયા આપવાની લાલચ આપીને લોકો પાસેથી લાખો રૂપિયા ખંખેરી રહી છે.
આ ગેંગ રોજ કમાઇને રોજ ખાવાવાળી વ્યક્તિઓને વ્યાજ પર રૂપિયા આપવાના બહાને લોકો પાસેથી રૂપિયા પડાવે છે અને બાદમાં થોડાક મહિના સુધી તેનું વ્યાજ આપીને બાદમાં ચીટિંગ કરે છે.
વ્યાજખોરો મનફાવે તે રીતે પઠાણી ઉઘરાણી કરીને લોકો પાસેથી વ્યાજ વસૂલ કરતા હોય છે, જેના કારણે આપઘાત તેમજ ગુમ થવાના કિસ્સા પણ વધી ગયા છે. પોલીસ વ્યાજખોરો વિરૂદ્ધ કડક કાર્યવાહી થાય તે માટેના પ્રયાસો કરી રહી છે. વ્યાજખોરો વ્યાજના રૂપિયા પરત ન આપતાં દાદાગીરી કરીને રૂપિયા કઢાવે છે, પરંતુ અમદાવાદમાં આજે એક એવી ગેંગ સક્રિય થઇ છે કે જે વ્યાજખોરોનો સ્વાંગ રચીને લાખો રૂપિયાનું ચીટિંગ કરી રહી છે.
તમે પોલીસના સ્વાંગમાં લૂંટ કરતી ટોળકી જાેઇ હશે, સરકારી અધિકારીઓના સ્વાંગમાં તોડપાણી કરતી ટોળકી જાેઇ હશે, પરંતુ વ્યાજખોરોનો સ્વાંગ રચીને ચીટિંગ કરતી ટોળકી પહેલી વાર સામે આવી છે. અમદાવાદના કોટ વિસ્તારમાં આ ટોળકી એટલી હદે સક્રિય થઇ છે કે જેની કોઇ લિમિટ નથી.
કેટલાંક સ્થાનિક સુત્રોના જણાવ્યા અનુસાર કેટલીક મહિલાઓ અને યુવકો એકબીજાની મીલીભગતથી પરિચિત હોય તેવી વ્યક્તિઓ કે જેમની આવક સારી હોય તેમને ટાર્ગેટ કરતા હોય છે. ટાર્ગેટ કરેલી વ્યક્તિને વિશ્વાસમાં લઇ વ્યાજથી રૂપિયા કમાવવાની લાલચ આપતા હોય છે અને વ્યાજનો ધંધો ધમધોકાર ચાલતો હોવાના પુરાવા પણ આપતા હોય છે.
લાખો રૂપિયાના ટર્નઓવરની વાતચીત કરીને પહેલાં લોકોને ફસાવે છે. આ ગેંગની પહેલી મોડસ ઓપરેન્ડી એવી છે કે શાકભાજીની લારી તેમજ રોજ કમાઇને પોતાનું ગુજરાન ચલાવતા હોય તેમને જ વ્યાજે રૂપિયા આપવામાં આવશે, જેથી તે રેગ્યુલર વ્યાજ આપી શકશે. બાદમાં ઠગ વ્યાજખોરો જે તે વ્યક્તિ પાસે એક લાખ રૂપિયા લેતા હોય છે, જે રૂપિયા તેમણે દસ લોકોને ૪૦ દિવસ માટે આપ્યા હોય તેવી વાત કરે છે.
જે વ્યક્તિએ વ્યાજ પર રૂપિયા આપ્યા હોય તેને વિશ્વાસ આવે એટલે ગઠિયા એક ચોપડામાં વ્યાજ પર રૂપિયા લેનાર લોકોની એન્ટ્રી કરાવે છે અને બાદમાં દર અઠવાડિયે હિસાબ કરવા માટે આવે છે. ૪૦ દિવસ પૂરા થઇ જાય એટલે ગઠિયો એક લાખના ૧.૨૦ લાખ રૂપિયા આપે છે. ૪૦ દિવસમાં વીસ હજાર રૂપિયા મળતા વ્યાજે આપનાર વ્યક્તિને વધુ વિશ્વાસ આવી જાય છે અને તે એક લાખની જગ્યાએ બીજા બે લાખ રૂપિયા વ્યાજ પર આપી દેતા હોય છે અને બાદમાં તેમના ગ્રૂપ-સર્કલમાં પણ વ્યાજનો ધંધો સારો હોવાની વાતચીત કરતા હોય છે.
છ-સાત મહિના સુધી ઊંચું વ્યાજ આપ્યા બાદ ગઠિયા વ્યાજે રૂપિયા આપનાર વ્યક્તિઓને ઘરે બોલાવતા હોય છે અને બાદમાં ચા-પાણી કરાવી તેમની સાથે આગળના એજન્ટોએ ઠગાઇ કરી હોવાનું કહેતા હોય છે.
એજન્ટોને પણ તેમની સાથે ઘરોબો હોવાથી તે બોગસ વ્યાજખોરોના ઘરે આવે છે અને થોડાક દિવસમાં ટુકડે-ટુકડે રૂપિયા આપી દેશે તેવી બાંયધરી આપતા હોય છે. ટુકડે-ટુકડે રૂપિયા ન મળતાં અંતે વ્યાજના ચક્કરમાં રૂપિયા ગુમાવનાર વ્યક્તિ પોલીસ સ્ટેશન જવાની ધમકી આપે તો આત્મહત્યા કરવાની પણ ચીમકી આપતા હોય છે.
ઉંમરલાયક મહિલાઓથી લઇને ૨૦ વર્ષના યુવકો વ્યાજખોરીનો નકાબ પહેરીને ફરી રહ્યા છે અને લોકોના રૂપિયા આસાનીથી પડાવી રહ્યા છે. પોલીસ આ મામલે તપાસ કરે તો ઘણા ખરા ગઠિયા સામે આવે તેવી શક્યતા છે.