Western Times News

Gujarati News

૭૫ મી વર્ષગાંઠે અમૂલે રૂ. ૫૩,૦૦૦ કરોડનું ટર્નઓવર વટાવી દીધું

અમૂલ સહકારી ચળવળને ૭૫ વર્ષ થવા પ્રસંગે અમૂલે રૂ.૫૩,૦૦૦ કરોડનું ટર્નઓવર વટાવી  દીધું છે. અમૂલ સહકારી ચળવળની શરૂઆત વર્ષ ૧૯૪૬માં ભારતની આઝાદીની ચળવળ પેહલા થઈ હતી જ્યારે ખેડા જિલ્લાના ખેડૂતોએ બ્રિટીશ સરકારની શોષણ નીતિ સામે હડતાળ પાડી હતી.

વર્ષ ૧૯૪૬માં બે નાના ગામડાંમાંથી દૈનિક માત્ર ૨૫૦ લીટર દૂધ એકત્ર કરીને અમૂલ સહકારી માળખાનો પ્રારંભ કરાયો હતો. આજે અમૂલ દૈનિક ૨૯૦ લાખ લિટર દૂધના એકત્રીકરણની ટોચ પર પહોંચ્યું છે અને ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના (અમૂલ ફેડરેશન) આજે ભારતની સૌથી મોટી ખાદ્ય ઉત્પાદન કરતી સંસ્થા છે.

વર્ષ ૨૦૨૦-૨૧ માં અમૂલ ફેડરેશનના નેજા હેઠળના દૂધ સંઘો દ્વારા દૂધના એકત્રીકરણમાં અગાઉના વર્ષની તુલનામાં ૧૪ ટકા વૃધ્ધિ હાંસલ કરાઈ હતી. કોવિડ મહામારી વચ્ચે અમૂલ ફેડરેશન સંલગ્ન દૂધ સંઘો દ્વારા દૈનિક ૩૫-૪૦ લાખ લિટર દૂધ પ્રતિદિવસ સંપાદિત કરવામાં આવતું હતું.

તા.૨૦  જુલાઈ, ૨૦૨૧ ના રોજ અમૂલ ફેડરેશનના પરિણામો સંસ્થાની ૪૭મી વાર્ષિક સામાન્ય સભામાં જાહેર કરાયા હતા. કોરોના મહામારીની નકારાત્મક અસર,  રેસ્ટોરન્ટસ, હોટલો અને કેટરીંગની નહિવત માંગ હોવા છતાં અમૂલ ફેડરેશનના દ્વારા વર્ષ ૨૦૨૦-૨૧ માં રૂ.૩૯,૨૪૮ કરોડનું ટર્નઓવર નોંધાવવામાં આવ્યું હતું, જ્યારે અમૂલનું ગ્રુપ ટર્નઓવર રૂ. ૫૩,૦૦૦ કરોડ નોંધાયું છે.

અમૂલના કન્ઝ્યુમર પેકમાં થતાં બિઝનેસ ગત વર્ષ કરતાં ૮.૧ ટકાનો વધારો થયો છે, જ્યારે બલ્ક ડેરી કોમોડિટીઝના બિઝનેસ કોરોનાના કારણે વર્ષ ૨૦૨૦-૨૧માં ઘટાડો નોંધાયો હતો. ડેરી ક્ષેત્રની સહકારી ચળવળ માટે પ્રેરણારૂપ આ સંસ્થા હવે તેનું ગ્રુપ ટર્નઓવર વર્ષ ૨૦૨૫ સુધીમાં રૂ.૧ લાખ કરોડનો ને પણ વટાવી જવા માંગે છે. આઈએફસીએનના ડેરી સંસ્થાઓનો ગ્લોબલ રેંકીંગમાં હાલમાં અમૂલ ૮મું સ્થાન ધરાવે છે જે વર્ષ ૨૦૧૨ માં તે ૧૮માં સ્થાને હતું.

અમૂલ ફેડરેશનના ચેરમેન શ્રી શામળભાઈ પટેલે જણાવ્યું હતું કે “વિતેલા ૧૧ વર્ષ દરમ્યાન દૂધના એકત્રીકરણમાં ૧૭૧ ટકાનો વધારો થયો છે. આ ભારે વૃધ્ધિનું મુખ્ય કારણ છે દૂધ ઉત્પાદકોને દૂધના એકત્રીકરણની ચૂકવાયેલી ઉંચી કિંમત. આ ગાળામાં દૂધ ઉત્પાદકોને ચૂકવવામાં આવતા ભાવમાં ૧૩૬ ટકાનો વધારો થયો છે.

દૂધના ઉંચા વળતરયુક્ત ભાવ મળવાના કારણે ખેડૂતોનો દૂધ ઉત્પાદનમાં રસ જાળવી શકાયો છે અને બહેતર વળતર મળવાના કારણે ખેડૂતો દૂધ ઉત્પાદન માટે મૂડી રોકાણ કરવા માટે પ્રોત્સાહિત થયા છે.”

શ્રી શામળભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૦-૨૧ માં કોરોના મહામારી દરમ્યાન હેરફેર તથા અન્ય નિયંત્રણો છતાં અમારી ટીમે ગ્રાહકો સુધી અમૂલના ઉત્પાદનો પહોંચાડવાનો પડકાર ઉપાડી લઈને પ્રશંસાપાત્ર કામગીરી કરી છે. શ્રી શામળભાઈ પટેલે કેન્દ્ર સરકારમાં નવું સહકાર મંત્રાલય રચવા બદલ ભારત સરકારનો આભાર માન્યો છે અને જણાવ્યું છે કે આ પગલાંથી નાના ખેડૂતો અને વેપારીઓને લાભ થશે,

કારણ કે પાયાના સ્તરે સહકારી અને લોકો આધારિત ચળવળ વધુ મજબૂત થશે અને નવા મંત્રાલયની રચના સહકારી સંસ્થાઓના સમાજ અને અર્થતંત્રમાં વધુ મહત્વ મળશે. તે ઉપરાંત ચેરમેને ગુજરાત સરકાર, શ્રી વિજયભાઇ રૂપાણી, માનનીય મુખ્યમંત્રીશ્રી,

ગુજરાત રાજ્ય, શ્રી નીતિનભાઈ પટેલ, માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્યનો ગુજરાતનાં ૩૬ લાખ દૂધ ઉત્પાદક પરિવાર વતીથી અમૂલ પાવડરના નિકાસ માટે રૂપિયા ૫૦ પ્રતિકિલોગ્રામ કોવિડ સહાયતા મંજૂર કરવા બદલ આભાર વ્યક્ત કરેલ હતો અને જણાવેલ કે આ પગલાંથી ડેરી ઉત્પાદકો અને ખેડૂતોની સુરક્ષા પ્રાપ્ત થવા ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તરે સ્કીમ મિલ્ક પાવડરના ભાવમાં થતી વધઘટ સામે ટકી રહેવાશે અને વળતરયુક્ત ભાવની ખાત્રી રાખી શકાશે.

અમૂલ ફેડરેશનના વાઈસ ચેરમેન શ્રી વલમજી હુંબેલએ જણાવ્યું હતું કે “અમારો આખરી ઉદ્દેશ સમગ્ર દુનિયામાં સૌથી મોટું ડેરી સંગઠન બનીને ભારતના અને તે પછી દુનિયાભરના લોકોના આરોગ્ય, પોષણ અને કલ્યાણની ખાત્રી રાખવાનો છે અને એ દ્વારા ભારતના ડેરી ક્ષેત્રના ખેડૂતોની સતત સમૃધ્ધિ અને વળતરયુક્ત આજીવિકાની ખાત્રી રાખવાનો છે.

તેમણે જણાવેલ કે એ યોગાનુયોગ છે કે વર્ષ ૨૦૨૧માં અમૂલ તેની સ્થાપના ૭૫ વર્ષ પૂર્ણ કરી રહેલ છે અને ડો. વર્ગીસ કુરિયનની જન્મ શતાબ્દી પણ ઉજવી રહેલ છે. ભારતના ડેરી સહકારી ચળવળના પ્રણેતા ડો. વર્ગીસ કુરિયનનો જન્મ વર્ષ ૧૯૨૧માં કાલિકટ, કેરેલા ખાતે થયેલ હતો અને તેઓ અમૂલ સહકારી ચળવળ સાથે વર્ષ ૧૯૪૯થી સંકડાયેલ અને તેઓ ૬ દાયકાથી વધુ સામે સુધી આ ચળવળ સાથે સંકડાયેલ હતા.

અમૂલ ફેડરેશનના મેનેજીંગ ડિરેક્ટરશ્રી આર એસ સોઢીએ જણાવ્યું હતું કે “કોરોના મહામારી દરમ્યાન હોટલ, રેસ્ટોરન્ટસ, કાફે અને કેટરીંગ સેગમેન્ટની માંગમાં નોંધપાત્ર ઘટાડો થતાં અમે અમારા ઉત્પાદનોનો ઘરવપરાશ ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

અમે અમારી માર્કેટીંગ ઝૂંબેશને ફરીથી ડિઝાઈન કરીને ગ્રાહકોને અમારી પ્રોડક્ટસ અને રેસ્ટોરન્ટસ સ્ટાઈલની વાનગીઓની રેન્જ અંગે માહિતગાર કર્યા હતા. અમૂલે ઝડપભેર તેના સપ્લાય ચેઈન મોડેલમાં ફેરફાર કરીને લોકો સુધી તેના ઉત્પાદનો પહોંચાડ્યા છે અને તે પણ એવા સમયે કે જ્યારે લોકો કોરોના અંગેના ભયને કારણે ઘરમાં વધુ સમય ગાળી રહ્યા હતા.

અમૂલે તમામ ઓનલાઈન અને ઈ-કોમર્સ હોમ ડિલીવરી પ્લેટફોર્મનો અસરકારક ઉપયોગ કરીને ઉત્પાદનો ગ્રાહકોના ઘર આંગણે પહોંચાડ્યા હતા. અમૂલ કાર્ટ એપ્પ મારફતે અમૂલે રિટેઈલરોને તેના વિતરકો સમક્ષ ઓનલાઈન ઓર્ડર મૂકવાની તક પૂરી પાડી હતી, જ્યારે લોકોની હેરફેર પર નિયંત્રણ હતા ત્યારે આ સગવડ વધુ ઉપયોગી નિવડી હતી.

ગ્રાહકો જ્યારે ઘરમાં વધુ સમય પસાર કરી રહ્યા હતા ત્યારે ટીવી, ડીજીટલ અને ઓટીટી સહિતના મિડીયા ઉપયોગમાં નોંધપાત્ર વધારો થયો હતો. અમૂલ માટે ભારતના ગ્રાહકો સાથે જોડાવાની આ એક વધુ તક હતી. ફેસબુક લાઈવ દ્વારા નવતર પ્રકારના ડીજીટલ કેમ્પેઈન મારફતે અમૂલે વિશ્વના સૌથી મોટા રેસિપી શો નું નિર્માણ કર્યું હતું

અને શેફને અમૂલના ઉત્પાદનો મારફતે તૈયાર કરાયેલી તેમની વાનગીઓ ગ્રાહકો સમક્ષ રજૂ કરવાની તક પૂરી પાડી હતી. મહામારીના ગાળા દરમ્યાન ગ્રાહકોમાં ઈમ્યુનિટીની ચિંતા વધી રહી હતી ત્યારે પણ અમૂલે નવી પ્રોડક્ટસ રેન્જ બજારમાં મૂકી હતી.

અમૂલ દ્વારા આગામી સમય દરમિયાન અમૂલની સહકારી ચળવળના ૭૫ વર્ષ અને ડો. કુરિયનના જન્મશતાબ્દી વર્ષના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.