બજારના દબાણથી સ્વાસ્થ્યના અધિકાર સાથે રમત કરી શકાય નહીં. સુપ્રીમ

નવીદિલ્હી: બકરી ઈદના અવસરે કોરોના સંલગ્ન પ્રતિબંધોમાં છૂટછાટ આપવાના કેરળ સરકારના ર્નિણય પર સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટે કેરળની પિનરઈ વિજયન સરકારને કહ્યું કે બજારના દબાણથી સ્વાસ્થ્યના અધિકાર સાથે રમત કરી શકાય નહીં.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે આવી સ્થિતિ હોવા છતાં પ્રતિબંધોમાં આ પ્રકારે છૂટ આપવામાં આવી તે ડરામણું છે. જાે કે આ તમામ ટિપ્પણીઓ કરવા છતાં કોર્ટે બાદમાં એમ પણ કહ્યું કે હવે અમે કેરળ સરકારના નોટિફિકેશનને રદ કરી શકીએ નહીં કારણ કે ઘોડો તબેલામાંથી છૂટી ચૂક્યો છે.
નોંધનીય છે કે કેરળમાં બકરી ઈદના અવસરે કોરોના ગાઈડલાઈન્સમાં છૂટછાટ આપવામાં આવી. આ છૂટ ૧૮થી ૨૦ જુલાઈ વચ્ચે આપવામાં આવી જેમાં બજાર સંલગ્ન નિયમોમાં ઢીલ પણ સામેલ છે. એક બાજુ જ્યાં કોરોનાના જાેખમને ધ્યાનમાં રાખીને અનેક રાજ્યોમાં કાવડ યાત્રા રદ કરવામાં આવી ત્યાં કેરળ સરકારના આ ર્નિણય બાદ સવાલ ઉઠવા લાગ્યા. મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો.
સુપ્રીમ કોર્ટે કેરળ સરકાર પાસે આ મુદ્દે જવાબ માંગ્યો હતો.
મંગળવારે કોર્ટમાં આ મામલે સુનાવણી થઈ. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે સમાજના કેટલાક સમુદાયોના દબાણમાં નાગરિકના સૌથી કિમતી જીવનના અધિકારને દાવ પર લગાવી શકાય નહીં. કોર્ટે એમ પણ કહ્યું કે કેરળ સરકારે ઉત્તર પ્રદેશ સરકારને અપાયેલા અમારા નિર્દેશોનું પાલન કરવું જાેઈએ. કોર્ટ તરફથી એવું પણ કહેવાયું કે કેરળ સરકાર બંધારણની કલમ ૨૧ એટલે કે બધાને સમાન અધિકાર અને જીવનના અધિકાર જેવા મૌલિક અધિકારોની સાથે સાથે કલમ ૧૪૪ ને પણ ધ્યાનમાં રાખે.
અત્રે જણાવવાનું કે ઈદના અવસરે પ્રતિબંધોમાં અપાયેલી છૂટનો વિરોધ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન તરફથી પણ કરાયો હતો. એસોસિએશને રાજ્ય સરકારને કોરોનાનો ખતરો ગણાવતા ચેતવી હતી.