રાજ કુંદ્રાની કંપની તરફથી વેબ સિરીઝની ઑફર મળી હતી : સાગરિકાનો દાવો
મુંબઇ: ફેબ્રુઆરી મહિનામાં પોર્ન રેકેટ કેસમાં મુંબઈ પોલીસના પ્રોપર્ટી સેલે એક્ટ્રેસ ગેહના વશિષ્ઠ સહિત ૯ લોકોની ધરપકડ કરી હતી, આ નવ લોકોમાં ઉમેશ કામત નામની વ્યક્તિ પણ હતી. જયારે ગઇકાલે આ મામલે રાજ કુદ્રાની ધરપકડ કરવામાં આવી છે. સાગરિકા શોના સુમન નામની મોડલે પ્રેસ કોન્ફરન્સ કરીને આક્ષેપ મૂક્યો હતો કે પોર્ન ફિલ્મ રેકેટમાં ધરપકડ કરાયેલ ઉમેશ કામત, રાજ કુંદ્રાનો આસિસ્ટન્ટ છે. સાગરિકાનો દાવો હતો કે રાજ કુંદ્રાની કંપની તરફથી તેને વેબ સિરીઝની ઑફર કરવામાં આવી હતી અને ન્યૂડ ઓડિશન માગવામાં આવ્યું હતું.
તે સમયે સાગરિકા શોના સુમને કહ્યું હતું, ‘લૉકડાઉન દરમિયાન મારી પાસે એક કનેક્ટેડ કૉલ આવ્યો હતો. આ કૉલ ઉમેશ કામતનો હતો. તેણે મને એવું કહ્યું હતું કે તે એક વેબ સિરીઝ બનાવે છે, જેનો માલિક રાજ કુંદ્રા છે. ઉમેશ કામતે એમ પણ કહ્યું હતું કે અમારી સાથે કામ કરવાથી મને બહુ મોટો હાઈક મળશે. આ વેબ સિરીઝ લવ સ્ટોરી પર આધારિત હોવાનું કહેવામાં આવ્યું હતું.
ઉમેશ કામતે ગયા વર્ષે ૨૦ ઓગસ્ટ, ૨૦૨૦ના રોજ વેબ સિરીઝમાં કામ અપાવવાના બહાને બોલાવી હતી. લૉકડાઉનને કારણે ઉમેશ કામતે વીડિયો કૉલ પર ઓડિશન આપવાનું કહ્યું હતું. વીડિયો કૉલ દરમિયાન ત્રણ લોકો હાજર હતા, જેમાંથી એક વ્યક્તિએ પોતાનો ચહેરો છુપાવીને રાખ્યો હતો. ઉમેશે મને વીડિયો કૉલ પર ન્યૂડ ઓડિશન આપવાની વાત કરી હતી. આ દરમિયાન ઉમેશ કામતે મને અનેક ઑફર આપી પરંતુ મેં ન્યૂડ ઓડિશન આપવાની ચોખ્ખી ના પાડી દીધી હતી.’
સાગરિકાએ કહ્યું હતું, ‘હું આ ઘટનાને ખરાબ અનુભવ સમજીને ભૂલી ગઈ હતી. જાેકે, છેલ્લાં થોડાં દિવસથી મીડિયામાં જે ચાલે છે, તે જાેઈને મને લાગ્યું કે મારા સામે આવવું જાેઈએ. જેટલી પણ યુવતીઓ છે, તેમના માટે સારું થશે. તેમણે જાહેરમાં આવીને કહેવું જાેઈએ કે તમે આ બધામાં ના પડો. આવા રેકેટમાં ના ફસાવ. આનાથી તમારું જીવન બરબાદ થઈ શકે છે.’
મોડલે પ્રેસ કોન્ફરન્સમાં એમ પણ કહ્યું હતું, ‘ઓડિશનના નામ પર વીડિયો કૉલમાં મને ન્યૂડ થવાનું કહેવામાં આવ્યું હતું. ઉમેશ કામતની સાથે ત્રણ લોકો હતાં. એકે ચહેરો છુપાવી દીધો હતો. મને લાગે છે કે તે રાજ કુંદ્રા હતો, કારણ કે ઉમેશ કામત વારંવાર રાજ કુંદ્રાનું નામ લેતો હતો અને કહેતો હતો કે જેટલી પણ સાઈટ્સ ચાલે છે, તેના આ માલિક છે. હું કહેવા માગીશ કે રાજ કુંદ્રાની ધરપકડ કેમ કરવામાં આવી નથી? તેમની અનેક સાઈટ્સ ચાલી રહી છે. મને ક્યાંકને ક્યાંક લાગે છે કે મુખ્ય સૂત્રધાર તે જ છે.’ સાગરિકાએ એમ પણ કહ્યું હતું કે ફિલ્મમાં કામ કરવા માગતી યુવતીઓના બોલ્ડ સીન શૂટ કરીને પોર્ન ફિલ્મ બનાવવામાં આવે છે. યુવતીઓને ૨૦-૩૦ મિનિટની પોર્ન ફિલ્મ માટે પૈસા આપવામાં આવે છે. ઉમેશ કામતની ધરપકડ બાદ ખબર પડી કે આ એક મોટું રેકેટ હતું.