ક્રિકેટર સુરેશ રૈનાના ફુઆની હત્યા કરનાર આરોપીની ધરપકડ
લખનૌ: પૂર્વ ભારતીય ખેલાડી સુરેશ રૈનાના ફુઆ અશોક કુમારની ઓગસ્ટ મહિનામાં ઘરમાં ઘૂસીને હત્યા કરી દેવામાં આવી હતી. વૉન્ટેડ આરોપી છજ્જુ છેમારની યુપી એસટીએફ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. છજ્જુ છેમારે ગયા વર્ષે ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાના ફુઆ અશોક કુમારની ઘરમાં ઘૂસીને હત્યા કરી દીધી હતી. ઓગસ્ટ મહિનાથી જ છજ્જુ ફરાર થઈ ગયો હતો. અશોક કુમાર પંજાબના પઠાણકોટમાં રહેતા હતા. હત્યાની સાથે ચોરી થવાની પણ ઘટના બની હતી.
યુપી એસટીએફએ પ્રેસ નોટ દ્વારા જણાવ્યું કે, જી્હ્લને સૂચના મળી હતી કે, સુરેશ રૈનાના સંબંધીના ઘરમાં ઘૂસીને ચોરી કરનાર છેમારની ગેંગનો એક સદસ્ય ગામમાં જ છુપાઈને રહી રહ્યો છે. આ સૂચના મળતા જ પંજાબ પોલીસની સાથે તેની ચકાસણી કરવામાં આવી અને તેને બરેલી બોલાવવામાં આવ્યો. જી્હ્લએ પંજાબ પોલીસ અને બરેલી પોલીસની સાથે મળીને છજ્જુ છેમારની ધરપકડ કરી દીધી હતી.
એસટીએફએ આપ્યા નિવેદન મુજબ દોષી છજ્જુએ જણાવ્યું કે, તે તેમના બીજા સાથીઓ સાવન, મહોબ્બત, રાશિદ, શાહરુખ, નૌસે, આમિર અને બીજી ત્રણ મહિલાઓની સાથે મળીને શાહપુર કાળીમાં રહીને ચાદર અને ફૂલ વેચતો હતો. તેમની પાસે એક ટેમ્પો પણ હતો જેનાથી આ લોકો કોઈ ગુનો કરીને પોતાનો સામાન બાંધીને રફુચક્કર થઈ જતાં હતા.
છજ્જુના ગેંગની મહિલાઓ દિવસમાં ફૂલ વેચવાના બહાને લોકો વિષે અગત્યની માહિતી એકઠી કરવાનું કામ કરતી હતી. સુરેશ રૈનાના ફુઆના ઘરે પણ આ મહિલાઓ ફૂલ વેચવાના નામે ઘૂસી ગઇ હતી અને તમામ માહિતી એકઠી કરી લીધી ત્યારબાદ આ માહિતી ગેંગના બધા જ સદસ્યોને આપીને બધા જ લોકો રાત્રે અશોક કુમારના ઘરમાં ઘૂસી ગયા અને ધાબા પર સૂઈ રહેલા ઘરના બધા સદસ્યો અને સાથે સાથે નાના છોકરાઓને પણ ડંડાથી મારવા લાગ્યા અને ઘરમાં રાખેલા બધા જ ઘરેણાં અને રૂપિયા લઈને ફરાર થઈ ગયા.
સુરેશ રૈનાના ફુઆએ તેમનું ઘર ગામથી થોડે દૂર થરિયાલમાં બનાવ્યુ હતું. મકાન ગામથી દૂર હોવાના લીધે ચોરો માટે આ કૃત્ય કરવું સહેલું થઈ ગયું હતું. જ્યારે ચોરો ધાબા પર ઘરના બધા સદસ્યોને ડંડાથી મારી રહ્યા હતા ત્યારે જ અશોક કુમારનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું અને બાકીના સદસ્યોને ગંભીર ઇજા પહોંચી હતી. આ ઘટના બાદ ગેંગના કેટલાક લોકો પકડાઈ ગયા હતા પરંતુ છજ્જુ ત્યાંથી ફરાર થઈને હૈદરાબાદ જતો રહ્યો હતો. થોડા દિવસ પછી છજ્જુ પોતાના ગામમાં પરત આવતા પોલીસે તેની ધરપકડ કરી લીધી છે.