Western Times News

Gujarati News

બોપલના નાગરીકોને ત્રણગણો મિલ્કત વેરો ભરવો પડશે

South Bopal

જંત્રી- ક્ષેત્રફળ આધારીત ગણતરીના કારણે મિલ્કતવેરાની રકમ વધી જશે

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં સમાવિસ્ટ થયા બાદ બોપલ વિસ્તારમાં મિલ્કતવેરાની આકારણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. નાણાકીય વર્ષ ર૦ર૧-રરથી બોપલના રહીશો પર “પ્રોપર્ટી ટેક્ષ” ના નામ બોમ્બ ફોડવામાં આવશે.

બોપલમાં નગરપાલિકાના શાસન દરમ્યાન “ઉચ્ચક” ટેક્ષ લેવામાં આવતો હતો જેની સામે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ક્ષેત્રફળ આધારીત ટેક્ષ લેવામાં આવશે જેના કારણે મિલ્કતવેરાની રકમમાં બે થી ત્રણ ગણો વધારો થશે તેમ માનવામાં આવી રહયુ છે.

અમદાવાદ મ્યુનિસિપલ મિલ્કતવેરા વિભાગ દ્વારા બોપલની ૧૮ હજાર કરતા વધુ મિલ્કતોની આકારણીનું કામ પુર્ણ કરવામાં આવ્યુ છે. ટેક્ષ વિભાગના ઉચ્ચ અધિકારીએ જણાવ્યા મુજબ બોપલમાં ટેક્ષની આકારણી જંત્રી આધારીત રહેશે. આ વિસ્તારની મિલ્કતોને એ,બી,સી અને એમ ચાર ગ્રેડ આપવામાં આવ્યા છે.

જે વિસ્તારમાં રૂા.રર૦૦૧ કે તેથી વધુ જંત્રી છે તે વિસ્તારની મિલ્કતોનો “એ” ગ્રેડમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જયારે રૂા.૧૩પ૦૦થી રર૦૦૦ સુધીની જંત્રીવાળી મિલ્કતોને “બી” ગ્રેડ, રૂા.૬૭પ૧થી રૂા.૧૩પ૦૦ની જંત્રીમાં “સી” ગ્રેડ તથા રૂા.૬૭પ૦ સુધીની જંત્રીવાળી મિલ્કતોનો “ડી” ગ્રેડમાં સમાવેશ કરવામાં આવશે.

“ડી” ગ્રેડની મિલ્કતો માટે ૧.૬ નો દર “બી” ગ્રેડ માટે ૧.૧ ના દર “સી” ગ્રેડ માટે ૦.૯ તથા “ડી” ગ્રેડની મિલ્કતો માટે ૦.૬ ના દર મુજબ ગણત્રી કરવામાં આવશે. બોપલની ૪૦ હજાર મિલ્કતો પૈકી “એ” ગ્રેડમાં એકપણ મિલ્કતનો સમાવેશ થતો નથી સૌથી વધુ મિલ્કતો “બી” અને “ડી” ગ્રેડમાં આવે છે.

ગામતળની તમામ મિલ્કતોનો “ડી” ગ્રેડમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મ્યુનિ. કોર્પોરેશનની જુની ફોમ્ર્યુલામાં “ઉચ્ચક” ટેક્ષ લેવામાં આવતો હતો તે જ પધ્ધતિથી બોપલમાં પણ ચાર કે તેથી વધુ વર્ષ જુની મિલ્કતોમાં પણ “ઉચ્ચક” ટેક્ષ લેવામાં આવતો હતો. જયારે છેલ્લા ચાર વર્ષ દરમ્યાન બનેલી મિલ્કતોમાં ક્ષેત્રફળ આધારીત ટેક્ષ લેવામાં આવતો હતો બોપલ નગરપાલિકા દ્વારા ટેક્ષ માટે સમાનનીતિ અપનાવવામાં આવી ન હતી.

બોપલ નગરપાલિકા દ્વારા જે તે સમયે રૂા. આઠથી નવ કરોડની આકારણી કરવામાં આવી હતી જેની સામે વાર્ષિક રૂા.૦૬ કરોડની આવક થતી હતી જયારે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા જંત્રી અને ક્ષેત્રફળ આધારીત આકારણી થશે જેની ડીમાન્ડ રૂા.રર કરોડ થાય તેવી શક્યતા છે.

બોપલમાં રર હજાર મિલ્કતોની આકારણી બાકી છે જે ૪પ દિવસમાં પુર્ણ કરવામાં આવશે અને દિવાળી અગાઉ બીલોની વહેચણી થઈ જશે તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.