“રામ સેતુ” દ્વારા બૉલિવૂડમાં એન્ટ્રી કરશે તેલુગુ ઍક્ટર
મુંબઈ: તેલુગુ ઍક્ટર સત્યદેવ અક્ષયકુમારની ‘રામ સેતુ’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરવા માટે તૈયાર છે. તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેના પર્ફોર્મન્સને કારણે તેનું ફૅન ફૉલોઇંગ ઘણું છે. તે હિન્દી ફિલ્મોમાં પણ હાથ અજમાવવાનું વિચારી રહ્યો હતો. ‘રામ સેતુ’ને બૉલીવુડમાં એન્ટ્રી કરવાને તે બેસ્ટ ફિલ્મ માની રહ્યો છે. એ વિશે સત્યદેવે કહ્યું હતું કે ‘આ ફિલ્મ મને અચાનક જ મળી ગઈ છે. મેં મારો પ્રોફાઇલ પણ નહોતો આપ્યો અને મને આ ફિલ્મ અનાયાસે જ મળી ગઈ છે. મારો રોલ ખૂબ સારો છે. કેટલીક વસ્તુઓ બને છે અને એનો આપણને ખ્યાલ પણ નથી હોતો. મારી એન્ટ્રી બૉલીવુડમાં અચાનક જ થઈ રહી છે. હું એટલું જરૂર કહીશ કે હિન્દી સિનેમામાં પ્રવેશ કરવા માટે મારા માટે આ બેસ્ટ ફિલ્મ છે.
હિન્દી સિનેમાને એક્સપ્લોર કરવાની મને આ ઉત્તમ તક મળી છે. હું પહેલેથી જ પ્લાન કરી રહ્યો હતો. મને હિન્દી સિનેમાને એક્સપ્લોર કરવાની ઇચ્છા હતી. ખરું કહું તો બધી જ ભાષાઓમાં. આવી રીતે હું વસ્તુસ્થિતિને જાેઉં છું અને હિન્દી વિશે તો હું પહેલેથી જ વિચારતો આવ્યો હતો. પ્રામાણિકપણે કહું તો હું પર્સનલી એમ માનતો આવ્યો છું કે કોઈ વસ્તુ મેળવવા માટે તમે સતત વિચારતા હો તો એ ક્યાંક ને ક્યાંક તમને મળી જાય છે.
મોટી માર્કેટ્સમાં એક્સપ્લોર કરવાનું અને મલયાલમ, તેલુગુ, હિન્દી અને કન્નડ ફિલ્મોમાં કંઈક અલગ કરવાનું વિચારતો હતો. સાથે જ હિન્દી તો હંમેશાં મારા દિમાગમાં ભમતી રહેતી હતી. મેં અફઘાનિસ્તાનમાં પણ ફિલ્મ કરી હતી. એ મારી પહેલી હિન્દી ફિલ્મ થવાની હતી. જાેકે બદનસીબે એ ફિલ્મ બની શકી નહીં. હવે મને એ વાતની ખુશી છે કે ‘રામ સેતુ’ મારી પહેલી હિન્દી ફિલ્મ બનવાની છે.