પેટ્રોલ-ડીઝલ પર રૂ. ૯૪,૧૮૧ કરોડની એક્સાઈઝ ડ્યૂટી વસૂલી
નવીદિલ્હી: પેટ્રોલ- ડીઝલ સરકારને કરોડોની આવક કરી આપતું હોય છે. પેટ્રોલ-ડીઝલની ડ્યૂટીમાંથી સરકારે ૩.૩૫ લાખ કરોડની કમાણી કરી છે. ગયા વર્ષ કરતાં ૮૮% વધુ કમાણી સરકારે પેટ્રોલ-ડીઝલમાં કરી છે. ચાલુ નાણાકીય વર્ષમાં કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલ પર અધધ કમાણી કરી છે. પેટ્રોલ-ડીઝલ પર રૂ. ૯૪,૧૮૧ કરોડની એક્સાઈઝ ડ્યૂટી વસૂલી છે, જે ગયા વર્ષ કરતા ૮૮% વધારે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવમાં વધારો થયા પછી પેટ્રોલ પરની પ્રતિ લિટર ડ્યૂટી રૂ. ૧૯.૯૮થી વધારીને રૂ. ૩૨.૯ કરાઈ હતી. એવી જ રીતે ડીઝલ પરની પ્રતિ લિટર ડ્યૂટી રૂ. ૧૫.૮૩થી વધારીને રૂ. ૩૧.૮ કરાઈ હતી. આમ, ડ્યૂટીમાં વધારા પછી એપ્રિલ ૨૦૨૦થી માર્ચ ૨૦૨૧ દરમિયાન એક્સાઈઝ ડ્યૂટી કલેક્શન વધીને રૂ. ૩.૩૫ લાખ કરોડે પહોંચ્યું હતું, જે ગયા વર્ષે રૂ. ૧.૭૮ લાખ કરોડ હતું.
રાજ્યકક્ષાના પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રી રામેશ્વર તેલીએ લોકસભામાં આ માહિતી આપી હતી. આ દરમિયાન સરકારને એક્સાઈઝ ડ્યૂટીની આવક વધારે થઈ હતી, પરંતુ લૉકડાઉન તેમજ અન્ય ઔદ્યોગિક પ્રતિબંધોના કારણે પેટ્રોલ-ડીઝલના વેચાણમાં જંગી ઘટાડો થયો હતો. એપ્રિલથી ચાલુ થતાં નાણાકીય વર્ષમાં ગયા વર્ષ કરતાં પેટ્રોલ-ડીઝલ સહિતના ઈંધણનું વેચાણ વધ્યું છે.
જેથી એક્સાઈઝ ડ્યૂટીની આવક પણ વધી છે. નાણાકીય વર્ષમાં પેટ્રોલમાં ૩૯ વાર અને ડીઝલમાં ૩૬ વાર ભાવવધારો કરાયો છે. એવી જ રીતે, આ ગાળામાં પેટ્રોલનો ભાવ એક વાર અને ડીઝલનો ભાવ બે વાર ઘટ્યો છે. ગયા વર્ષે પેટ્રોલના ભાવમાં ૭૬ વાર વધારો અને ૧૦ વાર ઘટાડો થયો હતો, જ્યારે ડીઝલમાં ૭૩ વાર વધારો અને ૨૪ વાર ઘટાડો થયો હતો.જેથી સામાન્ય નાગરિકોની કમ્મર તુટી ગઇ છે.