અમૃતસરમાં સિદ્ધુનું શક્તિ પ્રદર્શન, મંત્રીઓ-ધારાસભ્યોની સાથે સ્વર્ણ મંદિર દર્શન કર્યા
અમૃતસર: પંજાબમાં આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસની અંદર ચાલી રહેલી ખેંચતાણ હજી સમાપ્ત થઈ નથી. બુધવારે અમૃતસરમાં નવજાેત સિંહ સિદ્ધુના ઘરે મોટી સંખ્યામાં ધારાસભ્યો એકત્રિત થયા હતા. પંજાબ કોંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા પછી નવજાેત સિંહ સિદ્ધુ તેમના સમર્થકોને મળી રહ્યા છે અને બીજી તરફ કેપ્ટન અમરિંદર સિંહ પોતાનો કિલ્લો મજબૂત કરી રહ્યા છે. એના ભાગરૂપે આજે બંને નેતા એક વખત ફરી પોતાનું શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે.
લાંબી લડાઇ પછી પંજાબ કોગ્રેસના મંત્રી બનેલા નવજાેત સિંહ સિદ્ધુએ બુધવારે અમૃતસરમાં પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું હતું. બુધવારે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ અને ધારાસભ્યો સાથે મંદિર દરબાર સાહેબમાં પોતાનું શીશ ઝુકાવ્યું હતું. જાેકે સિદ્ધુ અને તેના સમર્થકો સ્વર્ણ મંદિરમાં કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરતા નજરે આવ્યા હતા. તેમણે માસ્ક પણ પહેર્યું નહોતું. નવા-નવા અધ્યક્ષ બનેલા નવજાેત સિંહ સિદ્ધુનું સમર્થકોને મળવાનું ચાલુ છે. બુધવારે નવજાેત સિંહ સિદ્ધુ અમૃતસરમાં છે અને તેમના ઘરે ધારાસભ્યોનું એકત્રિત થવાનું ચાલુ છે. નવજાેત સિંહ સિદ્ધુનો દાવો છે કે તેમની સાથે ૬૨ ધારાસભ્યો છે.
ઉલ્લેખનીય છે કે પંજાબમાં કોંગ્રેસના કુલ ધારાસભ્યોની સંખ્યા ૮૦ છે. સિદ્ધુ આ દરમિયાન સ્વર્ણ મંદિરનો પણ પ્રવાસ કરશે. સ્વર્ણ મંદિર પહોંચવા પહેલાં દરેક નેતા સિદ્ધુના ઘરે ભેગા થયા હતા અને ત્યાંથી બસમાં બેસીને દરબાર સાહેબનાં દર્શન કરવા રવાના થયા. નવજાેત સિંહ સિદ્ધુના ઘરે જાેગિંદર માન, પરગટ સિંહ, ગોબાયા, અંગદ સૈની, તરસેમ ડીસી, ગુરજિત નગરા, બાબા હેનરી જેવા સિનિયર નેતા પહોંચ્યા હતા.
નવજાેત સિંહ સિદ્ધુને હજી સુધી કેપ્ટન અમરિંદર સિંહે અભિનંદન આપ્યાં નથી. કેપ્ટન તરફથી સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી નવજાેત સિંહ સિદ્ધુ તેમની સાર્વજનિક માફી નહિ માગે ત્યાં સુધી તે તેમને મળશે નહિ. ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા સમયથી સિદ્ધુ દ્વારા રાજ્ય સરકારની વિરુદ્ધ કરાયેલા ટ્વીટથી તેમની છબિ ખરાબ થવાને કારણે કેપ્ટન અમરિંદર તેમનાથી નારાજ છે. આ જ કારણે પંજાબમાં ભલે કોંગ્રેસે નવજાેત સિંહ સિદ્ધુના હાથમાં કમાન આપી દીધી હોય, પરંતુ હજી સુધી સમગ્ર સંકટ ટળ્યું નથી, કારણ કે કેપ્ટન ખૂલીને સિદ્ધુની સાથે ઊભા નથી, જે વાત પાર્ટીની ચિંતા વધારે એવી છે.