બીજા દિવસે પણ નર્મદા ભરૂચમાં ૩૨ ફૂટે

કસક, દાંડિયા બજાર, ફુરજા અને બહુચરાજી ઓવારા વિસ્તારમાં પાણી-બોટો ફરતી થઈ: દુકાનદારો અને સ્થાનિક રહીશોની હાલત કફોડી: અંધારપટથી અકળાયા લોકો: વેપારીઓના ધંધા-રોજગાર ઠપ્પ |
(પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચમાં નર્મદા નદીમાં પુરની સ્થિતિ યથાવત રહેતા જળસપાટી ૩૨ ફૂટે અકબંધ રહેતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં કસક, દાંડિયા બજાર, ફુરજા અને બહુચરાજી ઓવારામાં પુરના પાણી ફરી વળતાં સ્થાનિક દુકાનદારો અને રહીશોની હાલત કફોડી બની છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાના કારણે વાહન વ્યવહાર બંધ થતાં આવવા જવા માટે નાવડીનો ઉપયોગ થઇ રહ્યો છે.
સરદાર ડેમમાંથી સતત પાણી છોડાતા નર્મદા નદી તૂફાને ચડી છે. ભરૂચમાં ગઈકાલથી જ ગોલ્ડનબ્રિજ પાસે નર્મદાની જળ સપાટી ભયજનક આંક વટાવી ૩૨ ફૂટે પહોંચી હતી. જે આજે પણ યથાવત છે અને બહુચરાજી ઓવારાના નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા હતા. જે આજે પણ યથાવત રહ્યા હતાં.
પૂરના પાણી ઘરો, મંદિરો અને દુકાનોમાં ફરી વળતાં વેપારીઓ અને લોકોની હાલત કફોડી બની છે. કસક ઝૂંપડપટ્ટી આખે આખી ડૂબી જતા લોકોને સ્થળાંતરીત કરી ગુરુદ્વારામાં આશરો આપવામાં આવ્યો હતો. દાંડિયા બજારના નીચાણવાળા વિસ્તારના લોકોને દાંડિયા બજાર મિશ્ર શાળામાં સ્થળાંતરીત કરાયા હતા. જ્યાં નગરપાલિકા દ્વારા તેમના ભોજનની વ્યવસ્થા ઊભી કરાઈ હતી. દાંડિયા બજાર વિસ્તારમાં પાણી ફરી વળતાં મુખ્ય માર્ગ પરનો વાહન વ્યવહાર બંધ થઇ ગયો હતો. લોકોએ આવવા જવા માટે નાવડીનો સહારો લેવો પડ્યો હતો.
શહેરના ફુરજા વિસ્તારમાં પણ છેક ચાર રસ્તા સુધી પાણી ભરાયેલા રહ્યા હતાં. દુકાનો અને ઘરોમાં પાણી ઘૂસી જતાં લાખો રૂપિયાના નુકસાનની આશંકા છે. ફુરજાથી ચાર રસ્તા સુધી આવવા જવા માટે બોટો ફરતી થઈ હતી. જેમાં બોટ ચાલકો દ્વારા વ્યક્તિદીઠ રૂપિયા ૨૦ લેવામાં આવતા હતાં. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે સતત પૂરની સ્થિતિ રહેતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે ધંધા રોજગાર ઠપ્પ થઇ ગયા છે. તો બીજીબાજુ દુકાનો અને ઘરોમાં પાણી ઘૂસી જતાં વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થવાની ભીતી છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયેલાં રહેતા વીજકંપનીએ ના છૂટકે અસરગ્રસ્ત વિસ્તારમાં વીજપુરવઠો બંધ કરતા રાત્રી દરમ્યાન લોકોએ અંધારપટનો સામનો કરવો પડ્યો હતો.
સાંસદ મનસુખભાઈ વસાવાએ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી
ભરૂચ શહેરમાં બીજા દિવસે પણ પૂરના પાણીના ઓસરતા હાડમારી વચ્ચે રહેતાં લોકોએ ફરીયાદોનો દોર ચલાવ્યો હતો. જેના પગલે સાંસદ મનસુખભાઈ વસાવાએ ધારાસભ્ય દુષ્યંત પટેલ, નગરપાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલા અને શહેર ભાજપા પ્રમુખ મહેન્દ્ર કંસારા સાથે પૂર અસરગ્રસ્ત નિચાણવાળા વિસ્તારની મુલાકાત લઇ સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. નિરિક્ષણ બાદ સાંસદે પાલિકા તંત્રને જરૂરી સૂચનો કર્યા હતાં.
સ્મશાનઘાટોમાં પાણી । ભરૂચમાં ઝાડેશ્વર ખાતે આવેલ સ્મશાન ઘાટ અને વેજલપુર વિસ્તારમાં આવેલ સ્મશાનઘાટ તથા સામે પાર બારેભોઠા બેટનું સ્મશાન નર્મદાના પૂરમાં ડૂબી જતાં અંતિમ સંસ્કાર માટે લોકોને અગવડતાઓ ઉભી થઈ હતી. શહેરમાં એક માત્ર દશાશ્વમેઘ ઘાટ ખાતે જ અંતિમ સંસ્કાર થઇ શકે તેવી સ્થિતિ છે. જોકે અહીં પણ સ્મશાનઘાટ સુધી પાણી ફરી વળ્યા છે.
શુકલતીર્થ રોડ પર પાણી ફરી વળતાં માર્ગ બંધ કરાયો
આજરોજ પૂરના પાણી શુકલતીર્થ રોડ ઉપર પણ વહેતા થયા હતાં. જેને લઇ આ માર્ગ પરનો વાહન વ્યવહાર બંધ કરાયો હતો. પરિણામે શુકલતીર્થ, અંગારે ધર, મંગલેશ્વર કડોદ, નિકોરા સહિતના ગામોના લોકો અટવાયા હતા.
બારેભાઠા બેટમાં પૂરના પાણીથી બે માળનું મકાન ધરાશાઈઃ કોઈ જાનહાનિ નહીં
નર્મદાના ઘોડાપૂરના પાણી બારેભાઠા બેટમાં પણ ફરી વળ્યા હતા. પૂરના પાણીના કારણે બે માળનું એક મકાન ધરાશાઈ થયું હતું. મકાનની દિવાલ પડવાની શરૂઆત થતાં જ ઘરના લોકો ઝડપથી મકાન છોડી બહાર નીકળી જતાં કોઈ જાનહાની થવા પામી ન હતી.