પરીણિતા બાળક સાથે પ્રેમીને મળવા માટે વિદ્યાનગર આવી

આણંદ: પ્રેમમાં માણસને પોતાના પ્રિયપાત્ર સિવાય કંઈ જ સૂજતું નથી એટલે પ્રેમને પાગલ અને આંધળો હોવાની ઉપમા મળી છે. આવું જ કંઈક આણંદ પાસે ગુજરાતના નાલંદાની ઓળખ ધરાવતી શિક્ષણ નગરી વિદ્યાનગરમાં જાેવા મળ્યું છે. જેમાં વિદ્યાનગરમાં રહેતા ૧૮ વર્ષના યુવકને મળવા માટે તેની ૨૫ વર્ષીય પરિણીત પ્રમિકા છેક બંગાળથી પોતાના ૪ વર્ષના બાળક સાથે તેના ઘર સુધી પહોંચી જતા ભારે હોબાળો મચ્યો હતો. યુવતીની જીદ હતી કે તે આ યુવક સાથે જ આજીવન રહેવા માગે છે જ્યારે યુવકને હજુ તો ૧૮મું વર્ષ પૂર્ણ ન થયું હોય પરિવારને આ સંબંધ મંજૂર નહોતો. તેમણે ૧૮૧ અભયમ હેલ્પલાઈને ફોન કરીને મદદ માગી હતી.
અહેવાલ મુજબ યુવતી અને તેના પરિવાર વચ્ચેના વિવાદ બાબતે અભયમને એક વ્યક્તિનો કોલ આવતાં જ ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. જાેકે ત્યાં પહોંચ્યા પછી સમગ્ર મામલો જાણ્યો ત્યારે ટીમના સભ્યો પણ ચોંકી ગયા હતા. કારણ કે યુવતી બંગાળી હતી અને તે યુવક સાથે રહેવા માગતી હતી. પ્રેમમાં આંધળી બનેલી આ પરિણીત યુવતી બસ એટલા માટે જ છેક બંગાળથી પોતાના ૪ વર્ષના સંતાનને લઈને વિદ્યાનગર યુવકના ઘરે પહોંચી ગઈ હતી.
૧૮૧ની ટીમ દ્વારા તેનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું ત્યારે જાણ થઈ કે યુવક અને યુવતીનો પરિચય બે વર્ષ અગાઉ સોશિયલ મીડિયા અને એક મોબાઈલ ગેમ મારફત થયો હતો. ધીરે ધીરે રોજ વાત કરતાં કરતાં આ પરિચય પ્રેમમાં પરિણમ્યો હતો. યુવતી પરણેલી છે અને તેને ચાર વર્ષનું બાળક છે. તેનો પતિ વેપારી છે.
તેવામાં યુવકના કહેવા પર યુવતી તેને મળવા માટે વિદ્યાનગર આવી પહોંચી હતી. હવે તેને પોતાના ઘરે જવું નહોતું અને યુવક સાથે જ રહેવાની જીદ પકડી હતી.