પોલીસે ૩૫૦૦ કિમી સુધી પીછો કરી આરોપીને પકડ્યા
ભીલવાડા: રાજસ્થાનના ભાલવાડા શહેરમાં ગત મહિને એક યુવકની હત્યાનો પર્દાફાશ થયો છે. ૨૨ જૂનના રોજ જંગલમાં યુવાનનું ગળું કાપેલી અને અર્ધનગ્ન હાલતમાં લાશ મળી આવી હતી. આ હત્યા કેસની તપાસ કરતી ભીલવાડા પોલીસે આરોપીઓનો આશરે ૩૫૦૦ કિલોમીટરનો પીછો કર્યો હતો અને આખરે તેમને સફળતા મળી હતી. હત્યામાં સામેલ બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને સાથે જ હત્યા પાછળનું કારણ અંગે પણ ખુલાસો થયો છે.
મૃતક યુવક શ્યામલાલ બેરવા ચિત્તોડગઢના ગંગરાર પોલીસ સ્ટેશન વિસ્તારના ફલોદી ગામનો હતો. તેણે એક યુવકને તેની ગર્લફ્રેન્ડ (સ્ત્રી મિત્ર)ની છેડતી કરવા બદલ અટકાવીને માર માર્યો હતો. આ પછી છેડતી કરનાર યુવકના મિત્ર આ બંને યુવકોએ શ્યામલાલને ધમકી આપી હતી. આ ઝઘડામાં એક યુવકનો મોબાઇલ તૂટી ગયો હતો. આ પછી આરોપી યુવકોએ છેડતી અને મોબાઈલ અંગે શ્યામલાલને પાઠ ભણાવવાની યોજના બનાવી હતી. પોલીસના ખુલાસામાં એ વાત પણ પ્રકાશમાં આવી છે કે ૨૨ જૂનના રોજ બંને યુવકોએ ભીલવાડા શહેર નજીક ગઠિલા ખેડા નજીક યુવકની હત્યા કરી હતી.
પુર પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધી ઇન્સ્પેક્ટર મુકેશ વર્માની આગેવાની હેઠળ તપાસ શરૂ કરવામાં આવી હતી. મૃતક શ્યામલાલના છેલ્લી વખતના સીસીટીવી ફૂટેજ અને બીટીએસ ડેટા સિસ્ટમની મદદ લેવામાં આવી હતી. હત્યાના ૨૪ કલાકમાં જ આરોપીઓ તરીકે બિહારના સારંગપુરના અજિત શાહ અને રાજસ્થાનના બરાન જિલ્લાના પ્રિન્સ ઉર્ફે નરેશના નામ આપવામાં આવ્યા હતા.