દેશમાં કોરોનાના કેસ ફરી ૪૦ હજારને પાર, ૨૪ કલાકમાં ૫૦૭ના મોત
નવીદિલ્હી: દેશમાં કોરોનાની ત્રીજી લહેરની શક્યતા વચ્ચે કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ફરી એક વાર ઉછાળો જાેવા મળી રહ્યો છે. દેશમાં ફરી એક વાર કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ૪૦ હજારને પાર પહોંચી ગઈ છે. તેની સાથે જ એક્ટિવ કેસની સંખ્યામાં નોંધપાત્ર વધારો જાેવા મળી રહ્યો છે. બીજી તરફ, ૧૨ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશ એવા છે જ્યાં છેલ્લા ૨૪ કલાકમાં એક પણ મોત નોંધાયું નથી. ૨૮ રાજ્ય એવા છે જ્યાં મૃત્યઆંક ૧૦થી ઓછો નોંધાયો છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરૂવાર સવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૪૧,૩૮૩ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૫૦૭દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૧૨,૫૭,૭૨૦ થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ ૪૧,૭૮,૫૧,૧૫૧ લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.
એક દિવસમાં ૨૨,૭૭,૬૭૯ લોકોને રસી આપવામાં આવી છે.કોરોના વાયરસ મહામારી સામે લડીને ૩ કરોડ ૪ લાખ ૨૯ હજાર ૩૩૯ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૩૮,૬૫૨ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૪,૦૯,૩૯૪ એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૪,૧૮,૯૮૭ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨૧ જુલાઈ, ૨૦૨૧ સુધીમાં ભારતમાં કુલ ૪૫,૦૯,૧૧,૭૧૨ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. બુધવારના ૨૪ કલાકમાં ૧૭,૧૮,૪૩૯ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.