યુકેમાંથી રાજ કુન્દ્રાનાં ૧૩ બેંક ખાતામાં અધધ રુપિયા જમા થતા હતા
નવીદિલ્હી: અશ્લીલ ફિલ્મના નિર્માણનાં આરોપમાં ધરપકડ કરાયેલા ઉદ્યોગપતિ રાજ કુંદ્રાના ખાતાઓની ફોરેન્સિક તપાસ કરવામાં આવશે. મુંબઈ ક્રાઇમ બ્રાંચે આ માહિતી આપી છે. પોલીસે જણાવ્યું કે, યુકે સ્થિત કેનરીન પ્રા.લિ. કુંદ્રાની કંપનીના ૧૩ બેંક ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર કરતી હતી. ફેબ્રુઆરીમાં અશ્લીલ રેકેટનો પર્દાફાશ થયા બાદ પોલીસે સોમવારે ઉદ્યોગપતિ કુન્દ્રાને ઝડપી પાડ્યો હતો.
સુત્રોના જણાવ્યા અનુસાર અનુસાર, આ કેસની તપાસ કરતી મુંબઈ ક્રાઇમ બ્રાંચે માહિતી આપી હતી કે, કેનરીન પ્રાઈવેટ લિમિટેડ રાજ કુંદ્રાના વિઆન ઈન્ડસ્ટ્રીઝ સાથે જાેડાયેલા ૧૩ બેંક ખાતાઓમાં પૈસા મોકલતી હતી. આ પછી રકમ કુંદ્રાના અંગત ખાતામાં મોકલવામાં આવતી હતી. તેમણે કહ્યું કે, આ નાણાં ‘સોફ્ટવેર મેન્ટેનન્સ’ના નામે ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
અધિકારીઓએ કહ્યું કે, તેઓ કુંદ્રા અને તેની સાથે જાેડાયેલી કંપનીઓના ખાતાઓનું ફોરેન્સિક ઓડિટ કરશે.
યુકેની કંપની કેનરીને વર્ષ ૨૦૧૯માં ‘હોટશોટ’ એપ્લિકેશન ખરીદી હતી. અગાઉ આ એપ્લિકેશન આર્મ્સપ્રાઇમ મીડિયા પાસે હતી. કુંદ્રા આર્મસ્પ્રાઇમનો સહ-માલિક હતો. ૨૫ હજાર ડોલરમાં એપ્લિકેશન વેચાયા બાદ તેણે પદ પરથી રાજીનામું આપ્યું હતું.
અહેવાલમાં જણાવ્યા અનુસાર, એક અધિકારીએ જણાવ્યું હતું કે, ‘વેચાણ સમયે તેમની પાસે કરાર હતો કે હોટશોટનું સોફટવેર મેન્ટેનન્સ કુંદ્રાની વિયાન ઇન્ડસ્ટ્રીઝ સંભાળશે. તેથી, સોફ્ટવેર મેન્ટેનન્સના નામે, વિઆન ઇન્ડસ્ટ્રીઝ સાથે જાેડાયેલા ૧૩ બેંક ખાતાઓમાં પૈસા મોકલવામાં આવ્યા હતા. આ પછી શેલ કંપનીઓ દ્વારા પૈસા કુંદ્રાના અંગત ખાતામાં આવ્યા હતા.
તપાસકર્તાઓએ જણાવ્યું હતું કે, ગેરરીતિઓ શોધવા માટે તેઓ બેંક ખાતાઓનું ફોરેન્સિક ઓડિટ કરશે. લંડનમાં રહેતા કુંદ્રાના સંબંધી પ્રદીપ બક્ષીને પણ એફઆઈઆરમાં વોન્ટેડ આરોપી બનાવવામાં આવ્યો છે. આ સાથે તેની વિરુદ્ધ દેશભરમાં એક લુકઆઉટ નોટિસ પણ આપવામાં આવી છે. ફેબ્રુઆરીમાં આ કેસમાં ૯ લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને આ પછી એપ્રિલમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.રિપોર્ટમાં અધિકારીઓને ટાંકીને જણાવ્યું છે કે, નાના શહેરોની યુવતીઓને વેબ સિરીઝમાં કામ કરવાની લાલચ આપવામાં આવી હતી. આ પછી, જ્યારે તે શૂટિંગ પર આવતી હતી, ત્યારે તેને અશ્લીલ ફિલ્મોમાં કામ કરવાની ફરજ પાડતા હતા.