અમદાવાદ શહેરમાં માત્ર ૨૨ દિવસમાં ૮ હત્યાના બનાવો બન્યા
અમદાવાદ: મેગાસીટી અમદાવાદમાં દિવસેને દિવસે વિકાસની સાથે સાથે હવે ગુનાખોરી પણ વધતી જઈ રહી છે. તેના પાછળનું કારણ છે કે આ મહિને ૨૨ જુલાઈ સુધીમાં કુલ ૮ હત્યાના બનાવો શહેરમાં સામે આવ્યા છે. જેના કારણે હવે કાયદો અને વ્યવસ્થાની સ્થિતીને લઈને ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે. કારણકે માત્ર ૨૨ દિવસમાં ૮ હત્યાના બનાવ અત્યાર સુધી ક્યારેય નથી નોંધાયા
શહેરના મેઘાણીનગર વિસ્તારમાંથોડાક દિવસો અગાઉ એક ઘાતકી હત્યાનો બનાવ બન્યો હતો. જેમા પોલીસે તપાસ આરંભી ત્યારે સામે આવ્યું કે પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા થઈ હતી. તે સિવાય અમદાવાદના શહેર કોટડા વિસ્તારમાં પણ થોડાક દિવસો અગાઉ અંગત અદાવતમાં એક યુવકની હત્યા થઈ હતી.
રામોલ વિસ્તારની વાત કરીએ તો અહીયા એક પરિણાતાની તેનાજ ઘરમાં હત્યા થઈ હતી. જેના કારણે આ કેસ ઘણું ચર્ચાનું કારણ બન્યો હતો. હત્યા કરનાર શખ્સ પણ પરિણીતાનો પ્રેમી હતો તેવી માહિતી સામે આવી હતી. સમગ્ર મામલે પોલીસે તપાસ આરંભી હતી ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ હતી.
ગાયકવાડ હવેલી પાસે પણ સામાન્ય બાબતે બોલાચાલીમાં એક યુવકની છરીના ઉપરાછાપરી ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. તો બીજી તરફ નારોલ સર્કલ પાસે પણ અજાણ્યા શખ્સો એક નીર્દોષ મહિલાને મોતને ઘાટ ઉતારી હતી. જેમા હત્યારાઓ બાઈક પર આવ્યા હતા અને મહિલાને છરીના ઘા મારીને ફરાર થઈ ગયા હતા.
શહેરના ખોખરા વિસ્તારમાં પણ વ્યાજે રૂપિયા ફેરવતા સુબ્રમણી રાજવેર નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. જેમા તે રૂપિયાની ઉઘરાણી કરવા જઈ રહ્યો હતો તેજ સમયે તેની હત્યા થઈ હતી. આ સિવાય સરખેજમાં પ્રેમ સંબંધોમાં હત્યાનો બનાવ સામે આવ્યો હતો. જેમા આરોપીઓએ હત્યાને અંજામ આપીને લાશને કેનાલમાં ફેકી દીધી હતી.
ઉલ્લેખનીય છે કે શહેર કોટડા વિસ્તારમાં રૂપિયાની લેતી દેતી મામલે હત્યા થઈ હતી. જેમા ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ ત્યા સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. જાેકે ચોકાવનારી વાત તો એ છે કે જે શખ્સે યુવકને હોસ્પિટલમાં એડમિટ કરાવ્યો હતો તેજ આરોપી હોવાનું સામે આવ્યું હતું.