રાજકોટમાં કોલેજમાં પ્રેવશ અપાવવાની ખાતરી આપી પિતા-પુત્રએ ૨૦.૫૦ લાખ પડાવ્યા
રાજકોટ: રાજકોટ શહેરના સાધુ-વાસવાણી રોડ પરના આદિત્ય હાઇટ્સમાં રહેતા કારખાનેદારની પુત્રીને મેડિકલ કોલેજમાં એડમિશન અપાવવાની ખાતરી આપી આરોપી પિતા-પુત્રએ રૂ.૨૦.૫૦ લાખ પડાવ્યા હતા. જેમાં પોલીસે ફરિયાદના આધારે આરોપી પુત્ર જય ગોવાણીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આદિત્ય હાઇટ્સમાં રહેતા અને શાપરમાં ફેક્ટરી ધરાવતા શૈલેષભાઇ મગનલાલ મણવરે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે જય ગોપાલ ગોવાણી અને તેના પિતા ગોપાલ ગોકળદાસ ગોવાણીના નામ આપ્યા હતા. વર્ષ ૨૦૧૮માં તેમની પુત્રી પાનસીએ ધોરણ ૧૨ પાસ કર્યું હતું, પુત્રીને મેડિકલમાં પ્રવેશ મળી રહે તે માટે પ્રયાસ કરતા હતા ત્યારે તેમના સંબંધી મારફત જય અને તેના પિતા ગોપાલ ગોવાણીનો સંપર્ક થયો હતો અને આરોપી પિતા-પુત્રએ મેનેજમેન્ટ ક્વોટામાં એડમિશન થઇ જશે તેવી ખાતરી આપી તે સમયે રૂ.૧૦ લાખ આપવાની અને એડમિશન બાદ અન્ય રકમ આપવાની વાત કરતા બંનેને રૂ.૧૦ લાખ ચૂકવી દીધા હતા.
પંદર દિવસ બાદ જય ગોવાણી કારખાનેદારની ઘરે ગયો હતો અને આ વખતે એડમિશનમાં મોડા થયા છીએ તેમ કહી ૩ લાખ પરત આપી ગયો હતો. ત્યારબાદ વર્ષ ૨૦૧૯માં જય ગોવાણી કારખાનેદારના ઘરે પહોંચ્યો હતો અને સુરેન્દ્રનગરની સી.યુ.શાહ મેડિકલ કોલેજમાં મેનેજમેન્ટ ક્વોટામાં એડમિશન નક્કી થઇ ગયું છે તેમ કહી રૂ.૯ લાખ લઇ ગયો હતો. ત્યારબાદ કોલેજ ફી અને હોસ્ટેલ ફીના નામે નાણા ઉઠાવી ગયો હતો, આરોપી જય ગોવાણી કટકે કટકે રૂ. ૨૦. ૫૦ લાખ લઇ ગયા બાદ લાંબો સમય વીતી જવા છતાં પાનસીને એલોટમેન્ટ લેટર નહીં મળતાં કારખાનેદાર શૈલેષભાઇએ જયનો ટેલિફોનિક સંપર્ક કરતા પોતે બહારગામ હોવાનું કહ્યું હતું.
બાદમાં જય અને તેના પિતાએ મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધા હતા. જય અને તેના પિતા ગોપાલે છેતરપિંડી કર્યાની શંકા ઉઠતાં શૈલેષભાઇએ સુરેન્દ્રનગરની કોલેજમાં તપાસ કરતાં પાનસીનું એડમિશન નહીં થયાનું સ્પષ્ટ થયું હતું. પોતાની સાથે છેતરપિંડી થયાનું સ્પષ્ટ થતાં અંતે બંને સામે ફરિયાદ નોંધાવી હતી. આરોપી પિતા પુત્રએ અન્ય ત્રણ વ્યક્તિ પરેશભાઇ પટેલના પુત્ર, રાજેશભાઇ ગજેરાની પુત્રી અને અશોકભાઇ ભૂવાના પુત્રને એડમિશન આપવાના બહાને મોટી રકમ લઇ લીધાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો.
પોલીસે છેતરપિંડી, વિશ્વાસઘાત સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપી જય ગોવાણીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આરોપી અગાઉ અમદાવાદમાં બે વખત છેતરપીંડી ગુનામાં અને હૈદરાબાદ ખાતે આઇપીસી કલમ ૩૮૦ હેઠળ પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. હાલ પોલીસે જય ગોવાણી ધરપકડ કરી ૭ દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે