નિકાસથી ઓક્સિજનની અછત સર્જાઈ : પ્રિયંકા
નવી દિલ્હી: ઓક્સિજનની અછતથી કોરોનાની બીજી લહેર દરમિયાન કોઈ મોત નથી થયુ તેવા કેન્દ્ર સરકારના જવાબ પર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કટાક્ષ કર્યો છે. રાહુલ ગાંધીએ ટિ્વટ કરતા કહ્યુ હતુ કે, બધુ યાદ રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે જ્યારથી ઓક્સિજનથી મોત નહીં થયુ હોવાનુ કહ્યુ છે ત્યારથી રાજકીય મોરચે ઘમાસાણ ચાલી રહ્યુ છે.
વિપક્ષો આ મુદ્દે સરકાર પર નિશાન સાધી રહ્યા છે ત્યારે મોદી સરકારનુ કહેવુ છે કે, અમે તો રાજ્યોએ આપેલા આંકડાના આધારે જ આ નિવેદન આપ્યુ છે. આમ હવે કોવિડના કારણે થયેલા મોતના મામલે રાજકીય પાર્ટીઓ એક બીજા પર દોષારોપણ કરી રહી છે.
દરમિયાન રાહુલ ગાંધીએ પણ હવે સરકારને ટાર્ગેટ કરી છે. આ પહેલા પ્રિયંકા ગાંધીએ પણ સરકાર પર આરોપ લગાવ્યો હતો કે, લોકોના મોત એટલા માટે થયા હતા કે, સરકારે ઓક્સિજનની નિકાસ કરી હતી અને ઓક્સિજન ટ્રાન્સપોર્ટ કરવા માટે ટેન્કરોની વ્યવસ્થા પણ કરી નહોતી. આમ આ મુદ્દે આગામી દિવસોમાં પણ રાજકીય ઘમાસાણ ચાલુ રહે તેવા એંધાણ મળી રહ્યા છે.