જિન્સ પહેરનારી કિશોરીની દાદા-કાકાએ હત્યા કરી દીધી
લખનૌ: સ્ત્રીઓની સમાનતાની વાતો વચ્ચે દેશના સંખ્યાબંધ વિસ્તારોમાં આજે પણ મહિલાઓ પુરૂષ પ્રધાન સમાજના અત્યાચારો સામે ઝઝૂમી રહી છે.
યુપીના દેવરિયામાં સામે આવેલા આવા એક શરમજનક કિસ્સામાં ૧૭ વર્ષની કિશોરીને તેના દાદા અને કાકાએ માર મારીને એટલા માટે મોતને ઘાટ ઉતારી દીધી હતી કે, તેણે જિન્સ પહેર્યુ હતુ. આ કિશોરી લુધિયાણામાં અભ્યાસ કરતી હતી અને દાદા તેમજ કાકાના ના પાડવા છતા તેણે જીન્સ અને બીજા વેસ્ટર્ન કપડા પહેરવાની હિંમત કરી હતી. જ્યારે તે ગામ પાછી ફરી હતી
ત્યારથી તેના પર જીન્સ નહીં પહેરવા માટે દબાણ કરવામાં આવી રહ્યુ હતુ. કિશોરીએ ઘરના લોકોની વાત ના માની ત્યારે તેના દાદા અને કાકાએ ગુસ્સે થઈને તેને માર મારવાનુ શરૂ કરી દીધુ હતુ. આ દરમિયાનમાં તેનુ માથુ દિવાલ સાથે પછડાયુ હતુ અને ઈજા ગંભીર હોવાથી તેનુ મોત થયુ હતુ.
પોલીસથી બચવા માટે દાદા અને કાકાએ હાઈવે પર પુલ પરથી મૃતદેહને નીચે ફેંક્યો હતો. જાેકે પુલની ગ્રિલમાં મૃતદેહ ફસાઈ ગયો હતો. રસ્તા પરથી પસાર થનારા લોકોએ પોલીસને તેની સુચના આપી હતી. એ પછી મામલો સામે આવ્યો હતો.
પોલીસનુ કહેવુ છે કે, જ્યારે આ કિશોરી તેની માતા સાથે લુધિયાણાથી પાછી આવી ત્યારથી તેના પર સવાલ સુટ પહેરવા માટે દબાણ થઈ રહ્યુ હતુ. જાેકે કિશોરીએ આ વાત માનવાનો ઈનકાર કરી દીધો હતો.
પોલીસે તેના દાદા હસનૈનની ધરપકડ કરી છે અને કાકા હજી ફરાર છે. યુવતીની માતાએ હજી સુધી પોલીસને નિવેદન નથી આપ્યુ પણ પાડોશીઓએ પોલીસને કહ્યુ હતુ કે, વેસ્ટર્ન કપડા પહેરવાને લઈને દાદા અને કાકા કિશોરીથી નારાજ હતા.