પૈસા બમણા કરવાના નામે ૬૦૦ કરોડનું ફ્રોડ, ‘હેલિકોપ્ટર બ્રધર્સ’ રફુચક્કર
નવીદિલ્હી:ભારતીય જનતા પાર્ટી ટ્રેડર્સ વિંગના નેતા રહી ચુકેલા મરિયૂર રામદાસ ગણેશ અને તેમના ભાઈ મરિયૂર રામદાસ સ્વામીનાથન પર ૬૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. તમિલનાડુના કુંભકોણમ ખાતે ઠેર ઠેર બંને ‘હેલિકોપ્ટર બ્રધર્સ’ના પોસ્ટર્સ લાગ્યા છે. લોકોએ આ બંને ભાઈઓ વિરૂદ્ધ કાર્યવાહીની માગણી કરી છે. પોલીસે આ અંગે કેસ નોંધી લીધો છે.
તિરૂવરૂરના મૂળ નિવાસી ‘હેલિકોપ્ટર બ્રધર્સ’ ૬ વર્ષ પહેલા કુંભકોણમ ખાતે વસી ગયા હતા અને ડેરીનો વ્યવસાય ચલાવી રહ્યા હતા. આ બંને ભાઈઓએ વિક્ટ્રી ફાઈનાન્સ નામનું એક નાણાકીય એકમ શરૂ કર્યું હતું તથા ૨૦૧૯માં અર્જુન એવિએશન પ્રાઈવેટ લિમિટેડ નામની એક વિમાન કંપનીની નોંધણી કરાવી હતી. આ બંનેએ લોકો પાસે ડબલ પૈસા થશે તેમ કહીને રોકાણ પણ કરાવ્યું હતું.
જાેકે બંને ભાઈઓએ પોતાનું વચન ઈમાનદારીપૂર્વક નિભાવ્યું હતું પરંતુ કોવિડ મહામારી સાથે સ્થિતિ બગડવા લાગી. જ્યારે યોજનામાં રોકાણ કરનારા લોકોએ પોતાના પૈસા માગ્યા તો તેમણે પૈસા પાછા ન આપ્યા. કંપનીમાં રોકાણ કરનારા દંપતી જફરૂલ્લાહ અને ફૈરાજ બાનોએ તંજાવુરના એસપી દેશમુખ શેખર સંજય પાસે ફરિયાદ નોંધાવી હતી.
દંપતીએ કરેલા દાવા પ્રમાણે તેમણે બંને ભાઈઓની માલિકીની કંપનીમાં ૧૫ કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા. દંપતીને કદી પોતાના પૈસા પાછા ન મળ્યા અને કથિત રીતે ધમકી આપવામાં આવી. યોજના માટે ૨૫ લાખ રૂપિયા આપનારા ગોવિંદરાજના કહેવા પ્રમાણે તેણે મિત્રો અને પરિવારજનો પાસેથી ઉધાર લઈને બંને ભાઈઓને પૈસા આપ્યા હતા.૨૦૧૯માં પોતાના બાળકના પહેલા જન્મદિવસ વખતે મરિયૂર રામદાસ ગણેશે હેલિકોપ્ટર વડે ફૂલો વરસાવ્યા હતા. ત્યારથી તેઓ હેલિકોપ્ટર બ્રધર્સ તરીકે ઓળખાય છે. હાલ પોલીસે તેમની કંપનીના મેનેજરની ધરપકડ કરી છે અને બંને ભાઈઓ ફરાર છે. વિવાદ બાદ ભાજપે ગણેશને હટાવી દીધો છે.