મને ભારત મોકલશો તો ગાંડો થઇ જઇશ : નીરવ મોદી
લંડન: પંજાબ નેશનલ બેન્ક સાથે ૧૩,૫૦૦ કરોડ રૂપિયાની લોન છેતરપિંડીના આરોપી નીરવ મોદીએ કહ્યું કે તે ભારે ડિપ્રેશનમાં સરી ગયો છે. આવી હાલતમાં જાે તેને બ્રિટનથી ભારત મોકલાશે તો તેનું માનસિક સ્વાસ્થ્ય બગડશે. આપઘાત કરી લેવાની ઈચ્છા પણ થશે.
નીરવના વકીલ એડવર્ડ ફિજગેરાલ્ડે કહ્યું કે તે માનસિક સ્વાસ્થ્યના આધારે તેમના અસીલનું પ્રત્યર્પણ રોકવા માગે છે. તેમણે કહ્યું કે નીરવને ભારત મોકલાશે તો તેને મુંબઈની સર આર્થર રોડ જેલમાં રખાશે. આ જગ્યા તેના સ્વાસ્થ્ય માટે વધુ ઘાતક સાબિત થશે.
આ જેલમાં કોરોના સંક્રમણના કેસ પણ મળી આવ્યા હતા. તેમણે કોરોનાથી બદહાલ મહારાષ્ટ્રની સ્વાસ્થ્ય સેવાઓનો પણ ઉલ્લેખ કર્યો. જ્યારે ઈંગ્લેન્ડની ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસના વકીલોએ ભારત સરકારનો પક્ષ રજૂ કર્યો. તેમણે નીરવની ચિંતાઓને નકારી કાઢી. જજને અપીલને નકારી કાઢવાનો આગ્રહ કર્યો.
ઉલ્લેખનીય છે કે હીરાના વેપારી નીરવની સાથે આ મામલે તેના મામા મેહુલ ચોક્સી પણ આરોપી છે. ઉલ્લેખનીય છે કે ભાગેડુ હીરાના વેપારી નિરવ મોદીના પ્રત્યાર્પણની તૈયારી લગભગ થઈ ગઈ છે. આથી હવે તે તેમાંથી બચવા માટે અનેક પ્રકારની હરકત કરી રહ્યો છે. બ્રિટનના ગૃહમંત્રીએ પણ કોર્ટના આદેશનો સ્વીકાર કરી લીધો છે.