જાસૂસી પાછળ પ્રજાની કમાણીના કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે : કોંગ્રેસ
ગાંધીનગર: ગાંધીનગરમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. કોંગ્રેસના નેતાઓ રાજભવન તરફ જવા નીકળ્યાં હતાં. કોંગી નેતાઓ પેગાસસ જાસૂસી મુદ્દે રાજ્યપાલને રજૂઆત માટે રવાના થયા હતા. રાજ્યપાલને રજૂઆત માટે માત્ર ગણતરીના નેતાઓને મંજૂરી આપવામાં આવી હતી. ત્યારે ગાંધીનગર રાજભવન ખાતે જવા નીકળેલા કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓની અટકાયત કરવામાં આવી છે.
આ વિરોધ પ્રદર્શનમાં અમિત ચાવડા, પરેશ ધાનાણી અને ભરતસિંહ સહિતના નેતાઓ પણ હાજર રહ્યાં છે. કોંગ્રેસનું કહેવું છે કે, દેશમાં પત્રકાર, નાગરિક અને જજની જાસૂસી કરવામાં આવી રહી છે. દેશમાં જાસૂસીના નામે લોકતંત્રનું અપમાન કરવામાં આવી રહ્યું છે. ફોન ટેપીંગ મામલે અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, દેશના લોકોને મળેલા બંધારણીય અધિકારોનું સરકારે સરેચોક ઉલ્લંઘન કર્યું છે. જાસૂસી કરવાની ટેવોના કારણે દેશના વિપક્ષના નેતા, વિપક્ષના આગેવાનો, શાસક પક્ષના મંત્રીઓ, જજીસો, પત્રકારો અને ચૂંટણીપંચના અધિકારીની પણ જાસૂસી કરવામાં આવી છે.
જાસૂસી પાછળ પ્રજાની કમાણીના કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે. આખા દેશના ૩૦૦ જેટલાં લોકોની જાસૂસી કરવામાં આવી છે. આ ઉપરાંત અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, જાસૂસી કરવામાં આવી છે એ લોકો શું આતંકવાદી છે કે દેશદ્રોહી છે? હજુ થોડા લોકોના નામ જ બહાર આવ્યાં છે. સુપ્રીમ કોર્ટના માધ્યમથી જાસૂસી કાંડની તપાસ કરવાની પણ અમિત ચાવડાએ માંગ કરી હતી. આ મામલે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ સમક્ષ અમે રજૂઆત કરીશું.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ ફરી વાર પેગાસસ મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરી છે. તેઓએ જણાવ્યું કે, પેગાસસનો ઉપયોગ હથિયાર તરીકે કરવામાં આવ્યો છે. જેથી દેશના ગૃહપ્રધાને રાજીનામું આપવું જાેઈએ. જાસૂસીના નામે જનતાના અવાજ પર આક્રમણ કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે, મારો ફોન પણ ટેપ કરવામાં આવ્યો છે. લોકતંત્ર વિરૂદ્ધ પેગાસસનો ઉપયોગ થયો છે. જેથી આ મામલે સુપ્રીમ કોર્ટના જજની આગેવાનીમાં તપાસ થવી જાેઈએ.
વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યુ, સત્તાનો સુત્રો સંભાળનાર સરકાર સમસ્યાઓને નિપટાવવામાં નિષ્ફળ નીવડી છે. ભાજપની નિષ્ફળ નીતિઓને કારણે મહિલાઓ મોંઘવારીમાં ત્રસ્ત છે અને સરકાર જાસુસીમાં મસ્ત છે. છૂટતી નોકરીઓથી યુવાન ત્રસ્ત છે અને સરકાર જાસુસીમાં મસ્ત છે, કાળા કાનૂનથી ખેડૂતો ત્રસ્ત છે અને સરકાર જાસુસીમાં મસ્ત છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર ગોપનીયતાના અધિકાર પર તરાપ મારી ચૂંટણીઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહી છે.
મુખ્ય વિપક્ષી નેતાના ફોન ટેપિંગ કરી અને સરકારી નિષ્ફળતાનો અવાજ ઉઠાવનારાઓનો અવાજ બંધ કરવાનો પ્રયાસ કરી રહી છે. ક્યાય પત્રકાર બંધૂઓના ફોન ટેપ કરી સત્યને ઉજાગર કરનારા દેશના સિપાહીઓને જેલમાં ધકેલવામાં આવી રહ્યો છે, મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના રાજમાં અઘોષિત કટોકટી દેશમાં લાગુ થઇ છે.પ્રવકતા ડો. મનિષ એમ. દોશીએ જણાવ્યુ હતું કે રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના માધ્યમથી રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદજીને પાઠવેલા આવેદન પત્ર ભાજપના સરકાર દ્વારા પેગાસીસ માલવેર મારફતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તેમજ દેશના અન્ય મહાનુભાવોની ગેરકાયદેસર, ગેર બંધારણીય રીતે ટેલીફોન હેકીંગ મામલે સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશ મારફતે તપાસ કરાવવા માંગણી કરી છે.