Western Times News

Gujarati News

ડો. પી કે મિશ્રાએ પ્રધાનમંત્રીના અગ્ર સચિવની કામગીરી સંભાળી

નવી દિલ્હી,  પ્રધાનમંત્રીનાં અગ્ર સચિવ સ્વરૂપે ડો. પ્રમોદ કુમાર મિશ્રાની નિમણૂક કરવામાં આવી છે. તેમણે આજે એમની કામગીરી સંભાળી હતી.

        ડો. મિશ્રા કૃષિ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ઊર્જા ક્ષેત્ર, માળખાગત રચના, નાણાકીય વ્યવસ્થાપન અને નિયમનકારક બાબતો સાથે સંબંધિત કાર્યક્રમોમાં મેનેજમેન્ટનો બહોળો અનુભવ ધરાવે છે. સંશોધન, નીતિનિર્માણ, કાર્યક્રમ/યોજના, મેનેજમેન્ટ અને પબ્લિકેશનમાં એમણે પ્રશંસનીય કામગીરી અદા કરી છે. તેઓ નીતનિર્માણ અને વહીવટમાં લાંબો અનુભવ ધરાવે છે. ડો. મિશ્રા પ્રધાનમંત્રી એડિશનલ પ્રિન્સિપલ સેક્રેટરી, કૃષિ અને સહયોગનાં સચિવ રાજ્ય વિદ્યુત નિયામક પંચનાં ચેરમેનનાં પદો પર કામ કરી ચુક્યાં છે.

કૃષિ અને સહયોગનાં સચિવ સ્વરૂપે તેમણે રાષ્ટ્રીય કૃષિ વિકાસ કાર્યક્રમ (આરકેવીવાય) અને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન (એનએફએસએમ)માં મહત્ત્વપૂર્ણ અદા કરી છે.   વર્ષ 2014-19 દરમિયાન પ્રધાનમંત્રીનાં અધિક અગ્ર સચિવ સ્વરૂપે ડો. મિશ્રાની વરિષ્ઠ પદો પર નિમણૂકો સહિત માનવ સંસાધન મેનેજમેન્ટમાં ઇનોવેશન અને પરિવર્તન લાવવાનો શ્રેય જાય છે.

        તેમણે ચાર વર્ષ સુધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેવલપમેન્ટ સ્ટડીઝ (યુકે)માં સંશોધન અને શિક્ષણ સંબંધિત કામગીરી કરી હતી. તેમણે યોજનાઓ માટે એડીબી અને વર્લ્ડ બેંક સાથે ચર્ચાવિચારણા કરી છે. શ્રી મિશ્રા ઇન્ટરનેશનલ ક્રોપ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર સેમી-એરિડ ટ્રોપિક્સ (આઈસીઆઈઆરએસએટી)ની વહીવટી પરિષદનાં સભ્ય રહ્યાં છે. તેમણે વિવિધ આંતરરાષ્ટ્રીય સંમેલનોમાં નિષ્ણાત સ્વરૂપે ભાગ લીધો છે.

        તાજેતરમાં ડો. મિશ્રાને સંયુક્ત રાષ્ટ્ર સાસાકાવા પુરસ્કાર 2019થી સન્માનિત કરવામાં આવ્યાં છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં આ સૌથી પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય પુરસ્કાર છે.

        ડો. મિશ્રાએ યુનિવર્સિટી ઓફ સસેક્સમાં અર્થશાસ્ત્ર/વિકાસ અભ્યાસમાં પી.એચડી અને વિકાસ અર્થશાસ્ત્રમાં એમ. એની ડિગ્રી હાંસલ કરી છે. તેમણે દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી અર્થશાસ્ત્રમાં એમ. એ કર્યું હતું. ડો. મિશ્રાએ 1970માં જી એમ કોલેજ (સંબલપુર યુનિવર્સિટી)માંથી પ્રથમ વર્ગમાં બી. એ. ઑનર્સ (અર્થશાસ્ત્ર)ની પરીક્ષા પાસ કરી હતી. ઓડિશાની તમામ યુનિવર્સિટીઓમાં અર્થશાસ્ત્રમાં પ્રથમ વર્ગ હાંસલ કરનાર તેઓ એકમાત્ર વિદ્યાર્થી હતાં.

        તેમનાં નીચે લેખ/પુસ્તકો પ્રકાશિત થયાં છેઃ

  • ધ કચ્છ અર્થક્વેક 2001: રિકલેક્શન લેસન્સ એન્ડ ઇનસાઇટ્સ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, નવી દિલ્હી, ભારત (2004).
  • એગ્રીકલ્ચરલ રિસ્ક, ઇન્શ્યોરન્સ એન્ડ ઇન્કમ : એ સ્ટડી ઓફ ધ ઇમ્પેક્ટ એન્ડ ડિઝાઇન ઓફ ઇન્ડિયાઝ કોમ્પ્રિહેન્સિવ ક્રોપ ઇન્શ્યોરન્સ સ્કીમ, એવેબરી, એલ્ડરશોટ, યુકે (1996).
  • સંપાદન – ડેવલપમેન્ટ એન્ડ ઓપરેશન ઓફ એગ્રિકલ્ચરલ ઇન્શ્યોરન્સ સ્કીમ્સ ઇન એશિયા, એશિયન પ્રોડક્ટિવિટી ઓર્ગેનાઇઝેશન, ટોક્યો, જાપાન (1999).

ઘણાં આંતરરાષ્ટ્રીય મેગેઝિનોમાં તેમનાં લેખો અને સમીક્ષાઓ પ્રકાશિત થઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.