પવનદીપ અને અરુણિતાનું રોમેન્ટિક ગીત રિલીઝ થયું
પવનદીપ-અરુણિતાને પહેલા ગીતને જબરદસ્ત પ્રતિસાદ મળ્યા બાદ હિમેશ રેશમિયાએ બીજીવાર તક આપી
મુંબઈ, ઈન્ડિયન આઈડલ ૧૨’ના કન્ટેસ્ટન્ટ્સને જજ અને સિંગર-કમ્પોઝર હિમેશ રેશમિયા તક પૂરી પાડી રહ્યો છે. હિમેશ રેશમિયાએ અત્યાર સુધીમાં પવનદીપ-અરુણિતા, સવાઈ ભાટ અને મોહમ્મદ દાનિશ ખાનના અવાજમાં રેકોર્ડ થયેલા ગીતો રિલીઝ કર્યા છે.
હવે પોતાના ૪૭મા બર્થ ડે પર હિમેશ રેશમિયાએ પવનદીપ રાજન અને અરુણિતા કાંજીલાલના અવાજમાં ગવાયેલું વધુ એક ગીત રિલીઝ કર્યું છે. હિમેશે આજે એટલે કે ૨૩ જુલાઈએ આ ગીત રિલીઝ કર્યું છે. હિમેશ રેશમિયાએ પોતાના આલ્બમ ‘સૂરુર ૨૦૨૧’ હેઠળ બીજું ગીત ‘તેરી ઉમ્મીદ’ રિલીઝ કર્યું છે.
આ રોમેન્ટિક ગીત ‘ઈન્ડિયન આઈડલ ૧૨’ના ટોપ ૬માં પહોંચેલા પવનદીપ અને અરુણિતાએ ગાયું છે. આ ગીતને કમ્પોઝ હિમેશ રેશમિયાએ કર્યું છે. હિમેશ રેશમિયાની યૂટ્યૂબ ચેનલ પર ‘તેરી ઉમ્મીદ’નું સ્ટુડિયો વર્ઝન રિલીઝ કરવામાં આવ્યું છે. પવનદીપ-અરુણિતાનો અવાજ ફરી એકવાર દર્શકોના દિલ પર જાદુ કરી રહ્યો છે.
પવનદીપ રાજને પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ ગીતનો નાનકડો વિડીયો શેર કર્યો છે. તેણે લખ્યું, ‘હેપી બર્થ ડે હિમેશ સર. અદ્ભૂત ગીત ‘તેરી ઉમ્મીદ’ માટે આભાર.’ પવનદીપ અને અરુણિતા કાંજીલાલના ફેન્સને આ ગીત અત્યંત પસંદ આવી રહ્યું છે.
ગીતના વખાણ કરતાં એક યૂઝરે લખ્યું, ‘પવન ગીત ખૂબ જ સુંદર છે અને બ્લોકબસ્ટર સાબિત થશે.’ બીજા એક યૂઝરે લખ્યું, ‘વાહ પવનુ, તારો અવાજ ખૂબ સરસ છે. આ ગીત મારું ફેવરિટ થઈ ગયું છે અને આખો દિવસ સાંભળું છું.’ બીજા એક યૂઝરે લખ્યું, ‘ખૂબ સરસ અવાજ છે…અરુણિતા ગીત પણ સુંદર છે.’
બીજા કેટલાક યૂઝર્સે અરુણિતા અને પવનદીપને ઉજ્જવળ ભવિષ્યની શુભકામના આપવાની સાથે ગીતના વખાણ કર્યા છે. તો કેટલાક યૂઝરે આ ગીતને હૃદયસ્પર્શી ગણાવતાં હિમેશ રેશમિયાને જન્મદિવસની શુભકામના પાઠવી છે.