કડાણા ડેમની જળ સપાટી ઘટતા ૮૫૦ વર્ષ જૂના શિવ મંદિરના દર્શન થયા

કડાણા ડેમની જળ સપાટી ઘટતા દર્શન થયા -જુલાઈ મહિનો સમાપ્ત થયો હોવા છતાં ડેમમાં પાણીની આવક નોંધપાત્ર નથી ત્યારે ડેમનું જળસ્તર ઘટવા લાગ્યું છે
મહીસાગર, મહીસાગર જિલ્લાના સૌથી મોટા કડાણા બંધમાં હાલમાં ચોમાસામા જાેઈએ તેવા પાણીની આવક થઈ નથી. જુલાઈ મહિનો સમાપ્ત થયો હોવા છતાં ડેમમાં પાણીની આવક નોંધપાત્ર નથી ત્યારે ડેમનું જળસ્તર ઘટવા લાગ્યું છે. આ સ્થિતિના કારણે ડેમના હાર્દમાં આવેલા એક ઐતિહાસિક શિવમંદિરના દર્શન થઈ શક્યા છે.
હકિકતમાં કડાણા બંધનું નિર્માણ થયું ત્યારે કેટલાય વિસ્તારો જળમગ્ન થઈ ગયા હતા. આ પૈકી ગુફામાં આવેલું નદીનાથનું મંદિર હતું. અહીંયા ૮૫૦ વર્ષ પૌરાણિક શિવલીંગ છે. જાેકે, ડેમમાં પાણી હોય ત્યારે તેના દર્શન શક્ય નથી. ડેમમાં હાલમાં જળ સપાટીમાં ઘટાડો થયો છે
ત્યારે હોડીમાં નીકળેલા સ્થાનિકોને આ ગુફા દેખાઈ હતી જેથી નદીનાથ મહાદેવને ધૂપ-દીવા કરી અને તેની તસવીરો લેવામાં આવી હતી. આમ મહીસાગરમાં અનેક લોકો માટે આસ્થાના પ્રતિક સમાન આ ભોળાનાથના શિવલિંગના દર્શન થયા હતા. વરસાદ ખેંચાયો છે ત્યારે ડેમમાં સતત પાણીની સપાટી ઘટી રહી છે ત્યારે થોડા સમય માટે જાેવા મળેલો આ નજારો દેવદુર્લભ છે એવું કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી. ત્યારે ભક્તો આ તસવીરો જાેઈને ભાવવિભોર થયા છે.