Western Times News

Gujarati News

શહીદ ચંદ્રશેખર આઝાદની જન્મ જયંતી નિમિત્તે વૃક્ષારોપણનો કાયૅક્રમ

મહાન ક્રાંતિકારી શહીદ ચંદ્રશેખર આઝાદની જન્મ જયંતી નિમિત્તે વિદ્યાર્થી-વાલી અધિકાર ગ્રુપના પ્રમુખ‌ અને પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલરશ્રી જ્યોર્જ ડાયસ ની આગેવાની હેઠળ ખોખરા ખાતે આવેલ કે.કા.શાસ્ત્રી કોલેજ ખાતે વૃક્ષા રોપણ નો કાયૅક્રમ યોજાયો હતો.

ચંદ્રશેખર આઝાદ (૨૩ જુલાઈ ૧૯૦૬ – ૨૭ ફેબ્રુઆરી ૧૯૩૧) એ ભારતીય ક્રાંતિકારી હતા. ૧૯૨૨માં મહાત્મા ગાંધી દ્વારા અસહયોગ આંદોલન અચાનક રોકી દેવાતાં તેમની વિચારધારામાં પરિવર્તન આવ્યું અને તે ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં જોડાઈને હિંદુસ્તાન રિપબ્લીકન એસોશીએશનના સક્રિય સભ્ય બન્યા.

આ સંગઠનના માધ્યમથી તેમણે રામ પ્રસાદ બિસ્મિલના નેતૃત્ત્વમાં ૧ ઓગસ્ટ ૧૯૨૪ના રોજ અંગ્રેજ સરકારનો ખજાનો લૂંટવા માટેની યોજના (કાકોરી કાંડ)ને અંજામ આપી ફરાર થઈ ગયા હતા. ૧૯૨૭માં રામ પ્રસાદ બિસ્મિલ, રોશન સિંહ, રાજેન્દ્રનાથ લાહિડી અને અશફાક ઊલ્લા ખાનના બલિદાન બાદ તમામ ક્રાંતિકારી જૂથોને એક કરી હિંદુસ્તાન સોશીયાલીસ્ટ રિપબ્લીકન આર્મી (HSRA)ની રચના કરી હતી.

આઝાદનો જન્મ ૨૩ જુલાઈ ૧૯૦૬ના રોજ મધ્ય પ્રદેશના અલિરાજપુર જિલ્લાના ભારવા ગામે થયો હતો. તેમનું જન્મ સમયનું નામ ચંદ્રશેખર તિવારી હતું. તેમના પૂર્વજો કાનપુર (વર્તમાન ઉન્નાવ જિલ્લો) પાસેના બદરકા ગામના હતા. તેમના પિતાનું નામ સીતારામ તિવારી હતું. તેમની માતા જગરાની દેવી ઇચ્છતા હતા કે તેમનો પુત્ર એક મહાન સંસ્કૃત વિદ્વાન બને આ માટે તેમણે પુત્ર ચંદ્રશેખરને કાશી વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ માટે મોકલવાનું નક્કી કર્યું.

ડિસેમ્બર ૧૯૨૧માં જ્યારે મહાત્મા ગાંધીએ અસહકાર આંદોલન શરૂ કર્યું ત્યારે ૧૫ વર્ષની ઉંમરના વિદ્યાર્થી ચંદ્રશેખર પણ તેમાં જોડાયા. આ આંદોલનમાં તેમની ધરપકડ થઈ. ન્યાયાધીશ સમક્ષ ઉપસ્થિત કરવામાં આવ્યા ત્યારે તેમણે પોતાનું નામ આઝાદ, પિતાનું નામ સ્વતંત્રતા અને જેલને ઘર તરીકે ઓળખાવ્યા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.