થલતેજ-શીલજ રોડ પર ચાલતા હુક્કાબારને સોલા પોલીસે ઝડપ્યુ
અમદાવાદ, રાજ્યમાં હુક્કાબાર પર પ્રતિબંધ હોવા છતાં અમદાવાદ શહેરમાં પોશ ગણાતા થલતેજ- શીલજ રોડ પર બેફામપણે ચાલતા હુક્કાબાર પર સોલા પોલીસે દરોડો પાડ્યો હતો. ઝડપાયેલું હુક્કાબારમાં મહિલા ભાગીદાર સાથે મળીને બે યુવક ચલાવતાં હતા.
સોલા પોલીસે હુક્કાબાર ચલાવનાર બે શખ્સ સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે. જ્યારે મહિલા ભાગીદાર સહિત હુક્કાબારમાંથી ફરાર થઈ જનાર બે શખસની તપાસ શરૂ કરી છે. પોલીસે ૧૬ હુક્કા અને ૫૭ જેટલા બોક્ષ કબ્જે કરી વધુ તપાસ શરૂ કરી છે.
સોલા પોલીસ સ્ટેશનના પીઆઇ જે.પી જાડેજાને બાતમી મળી હતી કે, થલતેજ-શીલજ રોડ પર આવેલા માહોલ ધ બ્રેસ્ટ્રોલ એન્ડ લોંન્જમાં હુક્કાબાર ચાલી રહ્યું છે. જેના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસ હુક્કાબારમાં આવતા જ બે શખસ ફરાર થઈ ગયા હતા.
પોલીસે હુક્કાબારમાં હાજર ધ્રુવ ઉર્ફે કાનો બ્રહ્મભટ્ટ અને સુરેશ ભરવાડની પૂછપરછ કરતા તેઓ પાસે કોઈ લાયસન્સ નથી. હુક્કાબારમાંથી અલગ અલગ ફ્લેવરના હુક્કા અને બોક્ષ મળ્યા હતા. જે પોલીસે કબ્જે કર્યા હતા. અન્ય ત્રણ શખસ શિવમ દુબે, મોહિત પાસવાન અને સુરજ મિશ્રા હાજર મળી આવ્યા હતા.
પોલીસે ધ્રુવ ઉર્ફે કાનાની પૂછપરછ કરતા ભાગી ગયેલા બંને શખસ મિત પટેલ અને જીગર ચૌહાણ છે. આ હુક્કાબાર તેમના ભાગીદાર રશ્મી પટેલના કહેવાથી ચલાવી રહ્યાં છે. પોલીસે હુક્કાબાર ચલાવનાર ધ્રુવ સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે જ્યારે નહિ મળી આવેલા રશ્મી પટેલ, મિત પટેલ સહિત ત્રણ અંગે તપાસ શરૂ કરી છે.