Western Times News

Gujarati News

અષાઢ અનરાધાર: રાજ્યમાં મેઘાની તોફાની બેટિંગ

૧૯૭ તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ લોધિકા અને છોટાઉદેપુરમાં ૭ ઈંચ તો કવાંટમાં ૬.૫ ઈંચ વરસાદ ખાબક્યો

રાજકોટમાં સતત બીજા દિવસે વરસાદ
રાજકોટમાં મેઘરાજા અનરાધાર બન્યા હોય તેમ બપોર બાદ સમગ્ર શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. એક કલાકમાં શહેરમાં ૨ ઇંચ વરસાદ નોંધાયો છે. આથી રસ્તા પર ગોઠણ સમા પાણી ભરાયા છે. ધોરાજીમાં સતત બીજા દિવસે મેઘરાજાએ હેત વરસાવતા સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. આથી ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. જામકડોરણા પથંકમાં પવન સાથે વરસાદ પડતા જૂનાગઢ-જામનગર રોડ પર રાયડી પાસે પીપળાનું વૃક્ષ પડી જતા વાહન વ્યવહાર બંધ થતાં મામલતદાર સહિતના અધિકારીઓની ટીમ દોડી જઈ રોડ પરથી વૃક્ષને દૂર કરી રોડ ફરી શરૂ કરાયો હતો.

ગાંધીનગર, ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યભરમાં રવિવારે અનેક જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો. સવારથી સાંજ સુધીમાં જ રાજ્યના ૧૯૭ જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જેમાં છોટા ઉદેપુર અને રાજકોટના લોધિકામાં ૧૨ કલાકમાં ૭ ઈંચ વરસાદ ખાબક્યો છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લાના કપરાડામાં પાંચ ઇંચ વરસાદ પડ્યો છે.

જામનગર જિલ્લામાં પણ ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો છે. છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ થતાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે. જ્યારે નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે.

વલસાડ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા આજે ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરવામા આવી છે, તેની વચ્ચે ઉમરગામ, ધરમપુર અને કપરાડા તાલુકામાં આજે સવારથી જ મેઘરાજા મહેરબાન છે. કપરાડા અને આસપાસના વિસ્તારમાં મેઘરાજા મનમૂકીને વરસતા ચાર કલાકમાં સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. ઉપરવાસમાં પણ ધોધમાર વરસાદ વરસતા જિલ્લાની નદીઓમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે.

વેરાવળ-સોમનાથ અને સુત્રાપાડા શહેર અને પંથકમાં આજે વહેલી સવારથી મેઘરાજાની ધીમી ધારે પધરામણી થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. અઠવાડિયાના વિરામ બાદ વરસેલા વરસાદના પગલે જગતનો તાત ખુશખુશાલ બન્યો હતો. વહેલી સવારથી શરૂ થયેલી મેઘસવારી અવિરત ચાલુ હોય સવારે ૮ થી ૧૦ માં વેરાવળ સોમનાથમાં વધુ એક ઈંચ મળી આજે કુલ ૨.૫ ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે સુત્રાપાડામાં વઘુ એક ઈંચ પડતા કુલ ૧.૫ ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે તાલાલામાં ૧૬ મીમી (અડધો ઇંચ) વરસાદ વરસ્યો હોવાનું જાણવા મળ્યું છે.

જામનગર શહેર અને જિલ્લામાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં ખેડૂતોમાં ખુશીની લાગણી જાેવ મળી રહી છે. ગઈકાલે પણ કાલાવડ અને જામજાેધપુર તાલુકા મથકે અડધો અડધો ઇંચ તેમજ ગ્રામ્ય પંથકમાં અડધાથી માંડી ત્રણ-ચાર ઇંચ વરસાદ પડી ગયો હતો. જેને લઈને નીચાણવાળા ગ્રામ્ય પંથકની નદીઓ બે-કાઠે થઇ હતી તો ખરીફ પાક પર આ વરસાદ કાચા સોના જેવો સાબિત થયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.