“જેટ”ની મદદ માટે ૩૪ ટોઈંગ ક્રેન ભાડે લેવામાં આવશે
રિવ્યુ મીટીંગમાં કમીશ્નરે કરેલી તાકીદ બાદ નિર્ણય : ટોઈંગ ક્રેઈનને કોઈ ટાર્ગેટ આપવામાં આવશે નહી |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : રાજયમાં ૧૬ સપ્ટેમ્બરથી ટ્રાફિકના નવા નિયમો અને દંડનો અમલ થઈ રહયો છે. કેન્દ્ર સરકારે સુચવેલ દંડની રકમમાં ફેરફાર કર્યા વિના રાજય સરકારે માંડવાળની રકમમાં નાગરીકોને રાહત આપી છે. કેન્દ્ર સરકારે સુચવેલ ટ્રાફિક ગુનાઓમાં ગેરકાયદેસર પાર્કીગ કે અડચણરૂપ થાય તેવા પાર્કીગના દંડની રકમ રાજય સરકારે યથાવત રાખી છે.
શહેરની ટ્રાફિક અને પાર્કીગ સમસ્યાને હળવી કરવા માટે મનપા પણ મકકમ છે. વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ કરવામાં આવેલ “જેટ”ને અડચણરૂપ પાર્કીગ સામે કાર્યવાહી કરવા માટે મ્યુનિ.કમીશ્નરે ખાસ તાકીદ કરી હતી. “જેટ”ની મદદ માટે વાહનો ટોઈગ કરવા માટે ભાડેથી ક્રેઈનો લેવા માટે પણ નિર્ણય કરવામાં આવ્યો છે.
અમદાવાદને ખરા અર્થમાં “સ્માર્ટ” બનાવવા માટે મ્યુનિ. કોર્પોરેશન અને પોલીસ વિભાગે સંયુકતપણે “જેટ”ની રચના કરી છે. જેમાં આરોગ્ય સ્વચ્છતા અને ટ્રાફિક ના નિયમોનો ભંગ કરનારને સ્થળ પર દંડ કરવામાં આવે છે. “જેટ”ની સઘન ઝુંબેશ બાદ પણ પાર્કીગ સમસ્યા હળવી થઈ નથી.
તથા નાગરીકો દ્વારા અડચણરૂપ થાય તે રીતે વાહનો પાર્ક થતા હોવાની ફરીયાદો મોટાપાયે બહાર આવી રહી છે. મ્યુનિ. કમીશ્નરના અધ્યક્ષસ્થાને મળતી રીવ્યુ મીટીંગમાં દબાણ અને પાર્કીગ મુદ્દે સઘન ચર્ચા થઈ હતી. મ્યુનિ. કમીશ્નરે “જાઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ” ને આ બંને મુદ્દે વધુ ધ્યાન આપવા તાકીદ કરી હતી.
ખાસ કરીને અડચણરૂપ પાર્કીગ સામે કડક કાર્યવાહી કરવા ખાસ સુચના આપવામાં આવી હતી. દરમ્યાન સરકારે જાહેર કરેલ ટ્રાફિક દંડના નવા કાયદામાં પણ અડચણરૂપ પાર્કીગ બદલ રૂ.પ૦૦ દંડની જાગવાઈ રાખી છે. કેન્દ્ર અને રાજય સરકારની જાહેરાત બાદ પાર્કીગ મુદ્દે સઘન ઝુંબેશ શરૂ કરવા પોલીસ અને મ્યુનિ.કોર્પોરેશન કટીબધ્ધ છે. તેથી “જેટ”ની મદદમાટે ટોઈંગ ક્રેઈન ભાડેથી લેવામાં આવશે.
“જેટ” વોર્ડ દીઠ કામ કરે છે. તેથી ૪૮ વોર્ડ દીઠ ૪૮ ટોઈંગ ક્રેઈન ઉપલબ્ધ થાય તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. પોલીસખાતા પાસે ૧૪ ટોઈગ ક્રેઈન ઉપલબ્ધ છે. તેથી મનપા દ્વારા વધુ ૩૪ ક્રેઈન ભાડેથી લેવામાં આવશે. ટુ-વ્હીલર માટે ર૦ અને ફોર વ્હીલર માટે ૧૪ ક્રેઈન ભાડે લેવામાં આવશે.
આ તમામ ક્રેઈન“જેટ”ના વાહન સાથે જે તે વોર્ડમાં ફરશે તથા ટ્રાફિકમાં અડચણરૂપ થાય તેવા વાહનોને “ટો” કરવામાં આવશે અથવા સ્થળ પર જ દંડ લેવામાં આવશે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ટોઈંગ ક્રેઈન ને કોઈ જ ટાર્ગેટ આપવામાં આવશે નહી. રાજય સરકારે જાહેર કરેલ કાયદા અને દંડનો ચુસ્ત અમલ થાય તે આશયથી ૩૪ ટોઈંગ ક્રેઈન ભાડેથી લેવામાં આવી રહી હોવાનું સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.