મોરબીમાં મોડી રાત્રે દીવાલ ધસી પડતાં માતા-પુત્રનાં મોત

મોરબી: મોરબીમાં સતત પડી રહેલા વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે. ગત મોડી રાત્રે મોરબીના રફાળેશ્વર ફાટકની બાજુમાં આવેલા જીયોટેક કારખાનાની ઓરડીની દીવાલ પડતાં બે શ્રમિકોનાં મૃત્યુ નીપજ્યા છે, જ્યારે બે સભ્ય ઇજાગ્રસ્ત થયા છે. મોડી રાત્રે દોઢ વાગ્યાની આસપાસ શ્રમિક પરિવાર પોતાની ઓરડીમાં સૂતો હતો ત્યારે અચાનક જ ઓરડીની દીવાલ ધસી પડતાં માતા અને પુત્ર દીવાલ નીચે દબાઈ ગયા હતા. દીવાલ ધસી પડતા ફૂલકેસરી દેવી માથુર (ઉં.વ.૨૮) અને પવન રામજી કુમાર માથુર ઉં.વ.૧૩ના નીચે દબાઈ જતાં બંનેનાં મોત નીપજ્યા છે.
જ્યારે રામજીભાઈ રામ શંકરભાઈ (ઉં.વ. ૩૨), સોનું રામજીભાઈ (ઉં.વ.૧૦) ઇજાગ્રસ્ત થતાં બંનેને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં ૧૦૮ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્ત પિતા-પુત્રને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. માતા-પુત્રના મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. નાના એવા શ્રમિક પરિવારમાં એક સાથે માતા-પુત્રના અચાનક મોતથી બિહારી પરિવારમાં શોક વ્યાપી ગયો છે. રવિવારે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૨૦૯ તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ છોટાઉદેપુર અને લોધિકામાં ૭.૨૫ ઈંચ વરસાદ ખાબક્યો છે.
કાલાવાડ ૬ ઈંચ અને કપરાડામાં ૫ ઈંચથી વધારે વરસાદ પડ્યો છે. આ સાથે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આંકડાની વાત કરીએ તો છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ છોટાઉદેપુર અને લોધિકામાં ૭.૨૫ ઈંચ, કવાંટમાં ૬.૫ ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ૪૫ તાલુકામાં ૨ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ૯૪ તાલુકામાં ૧ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ સાથે રાજકોટ જિલ્લાના તમામ તાલુકાઓમાં જેવા કે ગોંડલ, જેતપુર, રાજકોટ શહેર અને મોરબી પંથક મેઘરાજા મન મૂકીને વરસ્યા છે.