Western Times News

Gujarati News

અમે તેમના બલિદાનોને યાદ કરીએ છીએ :વડાપ્રધાન મોદી

નવીદિલ્હી: કારગિલ યુદ્ધમાં ભારતનાં વિજયનાં ૨૨ વર્ષ પૂરા થયાની ખુશીમાં દેશભરમાં ઉજવણીઓ કરવામાં આવી હતી આ યુદ્ધમાં મૃત્યુ પામેલા સૈનિકોનાં બલિદાનોને યાદ કરવા માટે દર વર્ષે ‘કારગિલ વિજય દીવસ’ ઉજવવામાં આવે છે. પાકિસ્તાની સૈનિકોએ ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરીને તેઓએ તેમના રહેવા માટે બંકર બનાવ્યા હતા, પરંતુ અંતે ભારતે તેમને ભગાડી દીધા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ વિજય દિવસ પર કારગિલ યુદ્ધનાં શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્‌વીટ કરીને કહ્યું કે, અમે તેમના બલિદાનોને યાદ કરીએ છીએ. અમને તેમની બહાદુરી યાદ છે. આજે કારગિલ વિજય દીવસ પર, અમે તે તમામને શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ, જેમણે આપણા દેશની રક્ષા કરતા આ લડાઇમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. તેમની બહાદુરી દરરોજ અમને પ્રેરણા આપે છે.”

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વિજય દિવસ પર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે બારામુલ્લા યુદ્ધ સ્મારક પહોંચ્યા હતાં અને શહીદોને શ્રધ્ધાંજલિ અર્પિત કરી હતી વિજય દિવસના અવસરે ભારતીય આર્મી તરફથી એક ખાસ ટ્‌વીટ કરાઈ. સેનાએ તમન્ના બી કુકરેતીની કેટલીક પંક્તિઓ ટ્‌વીટ કરી. કારગિલ કી ચોટીયો પે, દુશ્મનો કો હમને ઝૂકાયા હૈ, હિન્દ કે વીરોને, અપને લહુ સે તિરંગા ફહરાયા હૈ…

અત્રે જણાવવાનું કે વિજય દિવસના અવસરે દર વર્ષે કારગિલના દ્રાસમાં આવેલા વોર મેમોરિયલમાં ખાસ કાર્યક્રમ થાય છે.ભારત અને પાકિસ્તાનની સેનાઓ વચ્ચે ૧૯૯૯માં કારગિલના પહાડો પર આ યુદ્ધ ખેલાયું હતું. ત્યારબાદ ભારતે કારગિલના પહાડોને ફરીથી પોતાના કબજામાં લીધા હતા. આ લડાઈની શરૂઆત ત્યારે થઈ જ્યારે પાકિસ્તાની સૈનિકો કારગિલની ઊંચી પહાડીઓ પર ઘૂસણખોરી કરીને પોતાનો અડ્ડો જમાવી બેઠા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.