મ્યુનિ.કમીશ્નરની બેવડી નીતિ: સામાન્ય દુર્ઘટનામાં સસ્પેન્શન-ચારના મૃત્યુ બદલ શિરપાવ
સીટી ઈજનેર અને સુપર કમીશ્નર માટે ઈજનેરના અધિકારીઓની કારકીર્દી સાથે ચેડા થઈ રહયા હોવાના આક્ષેપ |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં “બેવડી નીતિ” ની પરંપરા ચાલી રહી છે. માનીતા અધિકારીની હજાર ભુલ માફ અને અળખામણા અધિકારીને વિના કારણે દંડ કરવાની તઘલખી નીતિ વહીવટીતંત્ર ના વડા અમલી કરી રહયા છે. મ્યુનિ. કમીશ્નર “કરોડો ના કૌભાંડી” ને “સેફ પેલેજ” તથા “પ્રમોશન” આપી રહયા છે.
જયારે નાના ગુનામાં અણયાનીતા પર સસ્પેન્શનની તલવાર વીંઝી રહયા છે. નિકોલ ટાંકી દુર્ઘટનામાં આ પ્રકારનો ખેલ જાવા મળ્યો છે. જેમાં કમીશ્નરને મધરાત્રે સ્વપ્ન આવ્યુ અને સસ્પેન્શન લેટર પણ સહી કરી હતી. જયારે બોગસ બીલીંગ કૌભાંડ અને તૂટેલા રોડ મામલે તપાસ કરવાની તસ્દી સુધ્ધા લેવામાં આવતી નથી. ચોકાવનારી બાબત એ છે કે શાસકપક્ષ દ્વારા પણ કમીશ્નરના મનસ્વી નિર્ણયો પર મુક સમંતિ આપવામાં આવે છે. જેના કારણે ભ્રષ્ટ અધિકારીઓનો ઉત્સાહ વધી રહયો છે. મ્યુનિ. કમીશ્નર બે અધિકારી માટે અન્ય અધિકારીના ભોગ લઈ રહયા હોવાના પણ આક્ષેપ થઈ રહયા છે.
શહેરના નિકોલ વિસ્તારમાં પાણીની ટાંકીના બાંધકામ સમયે સ્લેબ તૂટી ગયો હતો. સદ્દનસીબે સદ્દર દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા તૈયાર થઈ રહેલી ટાંકીએ કોઈના જીવ લીધા નથી પરંતુ એક ઉચ્ચ અધિકારીનો ભોગ જરૂર લીધો છે. નિકોલ દુર્ઘટના મામલે પ્રાથમિક તપાસ કરીને એડીશનલ ઈજનેર કક્ષાના અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
સામાન્ય નિયમ મુજબ આ પ્રકારના કિસ્સામાં વોર્ડ તથા ડેપ્યુટી કક્ષાના કર્મચારીને નોટીસ આપી તેમનો ખુલાસો લેવામાં આવે છે. ત્યારબાદ જરૂરીયાત જણાય તો ઉચ્ચ અધિકારીને શો-કોઝ નોટીસ આપી તેમનોજવાબ લેવામાં આવે છે. પરંતુ આ કેસ માં કમીશ્નરે આ પ્રકારના કોઈ જ નિયમોનું પાલન કર્યું નથી તથા અચાનક જ ઉચ્ચ અધિકારીને સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી હતી.
જાણકાર સુત્રોનું માનીએ તો જે અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમના પ્રમોશનની ફાઈલ પણ છેલ્લા ૦૬ મહીનાથી કમીશ્નર ઓફીસમાં દબાવી રાખવામાં આવી છે. અગાઉથી નકકી કરવામાં આવ્યું હોય તે રીતે આ અધિકારીને પ્રમોશન ન આપી યેનકેન પ્રકારે દૂર કરવામાં આવ્યા છે.
આ મામલે કમીશ્નર કચેરીમાં ફરજ બજાવતા નૈનેશ દોશી વધુ એક વખત શંકાના દાયરામાં હોવાની ચર્ચા ચાલી રહી છે. નોધનીય છે કે મનપામાં ફરજ બજાવતા તમામ એડીશનલ ઈજનેરોની કારર્કીદી પર કલંક લગાવવામાં આ મહાનુભવનો મોટો ફાળો હોવાના આક્ષેપો પણ ભૂતકાળમાં થયા હતા. જે અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમના પ્રમોશન રોકવામાં અને સસ્પેન્ડ થાય તેવો માહોલ તૈયાર કરવામાં પણ નૈનેશ દોશીએ મહત્વની ભૂમિકા ભજવી હોવાની ચર્ચાએ જાર પકડયું છે.
મ્યુનિ. કોર્પોરેશનના આંતરિક સુત્રોનું માનીએ તો ર૦૧૭માં “બોગસ બીલીગ” કૌભાંડ બહાર આવ્યું હતું. તથા આ વર્ષમાં જ મોટાપાયે રોડ પણ તૂટયા હતા. તત્કાલીન મ્યુનિ. કમીશ્નરે બોગસ બીલીંગ કૌભાંડ મામલે વોર્ડ કક્ષાના સાત કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા હતા. જયારે રોડ તૂટવા મામલે એડી. ઈજનેરોને નોટીસ આપી હતી. નિયમ મુજબ આ કેસમાં પણ વોર્ડ કક્ષાએ થી જ તપાસ કરવાની થતી હતી.
રોડ તૂટવા મામલે જ એડી. ઈજનેરોને નોટીસ આપવામાં આવી હતી. તેમના “જવાબ” લઈને ફાઈલો અભરાઈએ મુકવામાં આવી છે. નિકોલ દુર્ઘટનામાં આ પ્રક્રિયા પણ કરવામાં આવી નથી તે અલગ બાબત છે. ર૦૧૭ ના રોડ કૌભાંડમાં જે લોકો મુખ્ય કર્તાહર્તા હતા તે પૈકી એક એડી.ઈજનેરને વર્તમાન કમીશ્નરે પ્રમોશન પણ આપ્યું છે. તથા સીટી ઈજનેર (ડ્રેનેજ)નો “સન્માનીય” હોદ્દો પણ આપ્યો છે.
સદ્દર પ્રમોશન આપવાના અન્ય કારણો પણ છે. (જેની ચર્ચા હાલ અસ્થાને છે.) મ્યુનિ. કમીશ્નરે આ મહાનુભવ ને “શરતી” પ્રમોશન આપ્યું છે. તથા તપાસ રફે-દફે કરી છે. જયારે નિકોલ દુર્ઘટનામાં કોઈ જ માનવીય અભિગમ કે નિયમો તરફ ધ્યાન આપવામાં આવ્યું નથી.સુત્રોનું માનીએ તો કમીશ્નરે જે મહાશયને સીટી ઈજનેરપદે પ્રમોશન આપ્યું છે.
તે મહાશયની નિષ્ફળતા કમીશ્નર માટે જ શિરદર્દ બની રહી છે. સાબરમતી શુધ્ધિકરણ તથા એસટીપીમાં આ મહાશય ની નાકામાયબીના રોષ નો ભોગ ઈજનેર ખાતાના અન્ય અધિકારીઓ બની રહયા છે. નિકોલ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ સીટી ઈજનેરના કાર્યક્ષેત્ર માં આવતા ઓઢવ પમ્પીંગ સ્ટેશનમાં ચાર વ્યકિતના મૃત્યુ થયા હતા તેમ છતાં મ્યુનિ. કમીશ્નરે “નોટીસ” આપવાની પણ તસ્દી લીધી ન હતી.
મ્યુનિ. કમીશ્નર છેલ્લા ઘણા સમયથી બે વ્યકિતની કારકીર્દી માટે અન્ય અધિકારીઓની કારકિર્દી સાથે ચેડા કરી રહયા છે. સીટી ઈજનેરની અણ આવડતને છુપાવી હેમખેમ નિવૃત્ત કરવા તથા કાર્યદક્ષ અધિકારીઓને કટ-ટુ સાઈઝ કરી નૈનેશ દોશીને ઉચ્ચપદ મળે તેવા પ્રયાસ કમીશ્નર કચેરીમાંથી થઈ રહયા હોવાના ખુલ્લેઆમ આક્ષેપ થઈ રહયા છે.