મહામારીમાં ગૌતમ ગંભીરે કરેલા કામની તપાસ તો થશે જ : સુપ્રીમ

નવીદિલ્હી: સુપ્રીમ કોર્ટે ગૌતમ ગંભીર ફાઉન્ડેશન દ્વારા ફાઇલ કરવામાં આવેલી પિટિશન મામલે કોઈ દખલગીરી કરવાનો ઇનકાર કરી દેવામાં આવ્યો હતો. દિલ્હી હાઇકોર્ટમાં પૂર્વ ભારતીય ક્રિકેટર અને સાંસદ ગૌતમ ગંભીર સામે કોરોનાકાળમાં દવાઓની જમાખોરીનો કેસ ચાલી રહ્યો છે. આ મામલે હાઇકોર્ટ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. આ જ વર્ષના મે મહિનામાં હાઇકોર્ટે ડ્રગ કન્ટ્રોલરને ગૌતમ ગંભીર, પ્રીતિ તોમર અને પ્રવીણ કુમાર જેવા રાજકારણીઓ સામે તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. આ આદેશ વિરુદ્ધ ગૌતમ ગંભીર ફાઉન્ડેશન દ્વારા સુપ્રીમમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી.
અગાઉ હાઇકોર્ટે આ મામલે કહ્યું હતું કે,”ગૌતમ ગંભીરે આ એક સારા હેતુથી કર્યું હોય તેવું સંભવ છે પરંતુ જે રીતે તેમણે આ પગલું લીધું હતું તે રસ્તો ખોટો હતો”. ઉલ્લેખનીય છે કે ગૌતમ ગંભીર ફાઉન્ડેશન પર અનધિકૃત રીતે ફેબીફ્લૂ દવાઓનું વિતરણ અને જમા કરવાનો આરોપ હતો.
આ મામલે સુપ્રીમ કોર્ટની બેન્ચમાં સામેલ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ અને એમ. આર શાહે કહ્યું હતું કે,’અમે પણ હકીકત વાંચીએ છીએ. જ્યારે લોકો દવાઓ માટે ભટકતાં હતા ત્યારે એક વ્યક્તિ એ દવાઓનું વિતરણ કરવા લાગે છે. આનાં કારણે સામાન્ય માણસ પીડાય છે. વ્યક્તિગત રીતે દવાઓનું વિતરણ ન કરી શકાય.” જસ્ટિસ શાહે કહ્યું હતું.
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સાંસદ અને તેમનું ફાઉન્ડેશન પણ જાહેર જીવનનો એક ભાગ જ છે માટે તેમણે પણ સમગ્ર પ્રક્રિયામાંથી પસાર થવું જ પડશે. તેઓ હાઇકોર્ટમાં જઇ શકે છે પરંતુ સુપ્રીમ કોર્ટ આ મામલે સ્ટે નહીં આપે. આ રીતે સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટની કામગીરીમાં કોઈ પણ દખલ કરવાનો ઇનકાર કરી દીધો હતો.