પૂર્વ પોલીસ કમિશ્નર સામે તોડ કેસમાં ફરિયાદની સંભાવના
મુંબઈ: મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનીલ દેશમુખ વિરુદ્ધ મોટા આરોપ મૂકનારા મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમવીર સિંઘ સામે ચોથી એફઆઈઆર નોંધાવાની તૈયારીમાં છે. એક બુકી પાસેથી કથિત રીતે પાંચ કરોડ રુપિયાનો તોડ કરવા બદલ આ ફરિયાદ નોંધાઈ શકે છે. સૂત્રોનું માનીએ તો આ મામલે સીઆઈડીએ તપાસ પૂરી કરીને પોતાનો રિપોર્ટ ડીજીપી સંજય પાંડેને સોંપી દીધો છે. જેમાં બુકી દ્વારા પરમવીર સિંઘ તેમજ અન્ય પોલીસ અધિકારીઓ વિરુદ્ધ કરાયેલા આક્ષેપમાં સત્ય હોવાનું જણાયું છે.
સૂત્રોનું માનીએ તો, સીઆઈડીના વડા પ્રવીણ સળુખેએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે, પ્રાથમિક દ્રષ્ટિએ બુકી સોનુ જાલન દ્વારા કરાયેલા આક્ષેપ સાચા જણાયા છે, અને આ મામલે એફઆઈઆર દાખલ થવી જાેઈએ. ડીજીપી પાંડે આ રિપોર્ટને ગૃહ વિભાગમાં સબમિટ કરીને પરમવીર સિંઘ અને ઈન્સ્પેક્ટર પ્રદીપ શર્મા તેમજ રાજ કુમાર કોથમીરે વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવાનો આદેશ આપી શકે છે. જાેકે, તેમની પ્રતિક્રિયા જાણવા સંપર્ક કરાયો ત્યારે તેમણે કંઈ પણ કહેવાનો ઈનકાર કરી દીધો હતો.
બુકી સોનુ જાલને પરમવીર સિંઘ, પ્રદીપ શર્મા અને કોથમીરે વિરુદ્ધ ૨૦૧૮માં ફરિયાદ નોંધાવી હતી. તે વખતે આ ત્રણેય અધિકારીઓ થાણેમાં કાર્યરત હતા. પરમવીર સિંઘ થાણેના કમિશનર હતા જ્યારે શર્મા અને કોથમીરે એન્ટિ-એક્સ્ટોર્શન સેલમાં ફરજ બજાવતા હતા. સોનુ જાલને રિતેશ શાહ નામના એક વ્યક્તિ પાસેથી સટ્ટાની બાકી ઉઘરાણી કઢાવવા માટે રવિ પૂજારીની મદદ લીધી હોવાના આરોપ હેઠળ થાણે પોલીસે આરોપ લગાવ્યો હતો. જેમાં સોનુ જાલન, કેતન તન્ના અને અન્ય એક બુકીની ધરપકડ કરાઈ હતી. સોનુ જાલને ફરિયાદમાં જણાવ્યું હતું કે તને ખોટી રીતે આ કેસમાં સંડોવી દેવામાં આવ્યો હતો, અને તેની પાસેથી આ ત્રણેય પોલીસ અધિકારીએ ૫ કરોડ રુપિયા પડાવ્યા હતા. હજુ ગયા સપ્તાહે જ પરમવીર સિંઘ સામે બે ફરિયાદ દાખલ થઈ છે.
જેમાં બિલ્ડર શ્યામ સુંદર અગ્રવાલ અને તેના ભત્રીજા પાસેથી રુપિયા પડાવવાના મામલાનો પણ સમાવેશ થાય છે. આ વર્ષે માર્ચ મહિનામાં કલ્યાણ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર ભીમરાવ ગાગડેએ પરમવીર સિંઘ અને અન્ય ૩૨ અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં આક્ષેપ કરાયો હતો કે તેઓ કેએમડીસીના અધિકારીઓ વિરુદ્ધ ઠગાઈની ફરિયાદ અંગે તપાસ કરી રહ્યા હતા ત્યારે સિંઘે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને કેસમાં મજબૂત પુરાવા હોવા છતાંય ક્લોઝર રિપોર્ટ સબમિટ કરી દીધો હતો.
પરમવીર સિંઘ વિરુદ્ધ એવો પણ આરોપ છે કે તેમણે ઈન્સ્પેક્ટર અનુપ ડાંગેને સસ્પેન્ડ કરી દીધો હતો. આ મામલે ડોંગેએ ગૃહ વિભાગને કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે સસ્પેન્શન બાદ નોકરી પર પરત લેવા માટે સિંઘના એક સંબંધીએ તેમની પાસેથી ૨ કરોડ રુપિયા માગ્યા હતા.