અનુ મલિકના માતાનું નિધન, પિતાની કબર પાસે દફનાવાયા
મુંબઈ: મ્યુઝિક કમ્પોઝર અને ઈન્ડિયન આઈડલના જજ અનુ મલિકના માતાનું ૨૫ જુલાઈના રોજ બપોરે ૩.૩૦ વાગ્યે અવસાન થયું છે. રિપોર્ટ અનુસાર, અનુ મલિક, અબુ અને ડબુ મલિકના માતા બિલ્કિસને સ્ટ્રોક આવ્યા પછી ગુરુવારે જુહુ સ્થિત આરોગ્ય નિધિ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સોમવારે સવારે તેમને સાંતાક્રૂઝ સ્થિત કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા છે. મ્યુઝિક કમ્પોઝર્સ અમાલ અને અરમાન મલિક પણ પોતાના દાદીના નિધનથી શોકમાં છે અને તેમણે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને દુખ વ્યક્ત કર્યું છે. અમાલ મલિકે દાદીને યાદ કરીને એક પોસ્ટ શેર કરી છે અને જણાવ્યું કે દાદીને પોતાના હાથથી દફનાવવા એ જીવનનું સૌથી મુશ્કેલ કામ હતું. પરંતુ તે વાતની ખુશી છે કે દાદીની અંતિમ ઈચ્છા પુરી કરવામાં સફળ રહ્યા.
પોસ્ટમાં અમાલ મલિકે લખ્યું છે કે, હું તમને અંતિમ વાર ભેટવા માટે રડતો રહ્યો પરંતુ તમે જતા રહ્યા હતા. તમે ઈચ્છતા હતા કે તમને તમારા પતિ પાસે દફનાવવામાં આવે. અમને ખુશી છે કે અમે તે કરી શક્યા. હું ત્યાંથી નીકળ્યો ત્યારે વરસાદ શરુ થઈ ગયો. મેં આકાશ તરફ જાેયુ અને તે વિચારીને મારા ચહેરા પર સ્મિત આવી ગયું કે તમે ત્યાં જ છો જ્યાં જવા ઈચ્છતા હતા. તમારી અને દાદાની મુલાકાત થઈ ગઈ.
અરમાન મલિકે પણ દાદી સાથેને એક વીડિયો શેર કર્યો. તેણે લખ્યું છે કે, આજે મેં મારા બેસ્ટ ફ્રેન્ડ, દાદીજાનને ગુમાવ્યા છે. મારા જીવનનો ઉજાશ જતો રહ્યો. એવો સુનકાર સ્થપાયો જે હવે ક્યારેય દુર નહીં થાય. હું ભાગ્યશાળી છું કે મને તમારી સાથે આટલો સમય પસાર કરવા મળ્યો. અલ્લાહ, હવે મારા એન્જલ તમારા સાથે છે.