હવે વાહન પર કોઇ પણ જાતના લખાણ હશે તો દંડ થશે
અમદાવાદ: અમદાવાદીઓ હવે જાે તમે વાહન પર કોઈ લખાણ લખાવ્યું હશે તો તમારી સામે કાર્યવાહી થઈ શકે છે. અનેક લોકો પોતાનો વટ અને રૌફ દેખાડવા માટે ગાડીઓ પર લખાણ કે પ્લેટ ભરાવીને ફરતાં હોય છે. તેવામાં હવે અમદાવાદ ટ્રાફિક પોલીસ આવા લોકો સામે આક્રમક બનીને કાર્યવાહી કરશે. અને આ માટે વિશેષ ડ્રાઈવ પણ શરૂ કરવામાં આવી છે.
અમદાવાદ ટ્રાફિક પોલીસ હવે નિયમોનાં ભગ કરનારને આકરી રીતે દંડ કરશે. તે માટે આવનાર સમયમાં સરકારી કચેરીઓની બહાર ટ્રાફિક ડ્રાઈવ કરશે. સાથે જે ગાડી અને ટુ વ્હીલર પર નામ અને સિમ્બોલનો દૂરઉપયોગ કરતાં લોકો સામે કાર્યવાહી કરશે. ઈમરજન્સી સિવાય સિમ્બોલ અને સ્ટીકરનો ઉપયોગ કરતાં લોકો સામે કાર્યવાહી થશે.
સિમ્બોલ જેવા કે એડવોકેટ, પ્રેસ, ભાજપ-કોંગ્રેસ તેમજ અલગ વ્યવસાયને લગતાં સિમ્બોલ અને સ્ટીકર ભરાવીને ફરતાં લોકો સામે કાર્યવાહી થશે. ઈમરજન્સી સિવાયના લોકો સિમ્બોલનો ઉપયોગ કરશે તો એમ.બી એક્ટ મુજબ આવા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે.