વડોદરાથી માતાની ખબર કાઢવા અમદાવાદ આવેલ પરિવારના ઘરમાંથી ૩.૯૭ લાખની ચોરી
વડોદરા: અમદાવાદ ખાતે હોસ્પિટલમાં દાખલ માતાની ખબર કાઢવા માટે ગયેલા પરિવારના ઘરને તસ્કરોએ નિશાન બનાવી ૨૦ તોલા સોનાના દાગીના તેમજ રોકડ ૯૦ હજાર રૂપિયા મળીને કુલ૩.૯૭ લાખ રૂપિયાનો મુદ્દામાલ ચોરી કરીને તસ્કરો ફરાર થઇ ગયા હતા. આ મામલે પરિવારે સમા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલ એ. ૪, પ્રાંગણ સોસાયટીમાં ઋષિકેશ પુનમભાઇ બારોટ પરિવાર સાથે રહે છે અને ફેબ્રિકેશનનો વ્યવસાય કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ઋષિકેશ બારોટની માતા યામિનીબેન બારોટને ૨૦ જુલાઇના રોજ અમદાવાદ બોપલ ખાતે આવેલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેથી ઋષિકેશ બારોટ પત્ની, બાળકો તેમજ મુંબઈથી આવેલી બેનને લઇને ૨૪ જુલાઇના રોજ અમદાવાદ માતાની ખબર કાઢવા માટે ગયા હતા. માતાની ખબર જાેઇને પરિવાર વિરમગામ પાસે આવેલા મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતા.
દરમિયાન તેમની પડોશમાં રહેતા મામાની દીકરી ધરનીબેન રાવે ફોન કરીને જણાવ્યું હતું કે, મકાનના દરવાજાનું તાળુ નથી અને દરવાજાે તૂટેલો છે. ચોરી થઇ હોવાનું જણાઈ આવે છે. ઋષિકેશ બારોટ તુરંત જ પરિવાર સાથે પરત વડોદરા આવી ગયા હતા. ઘરમાં જઇ તપાસ કરતા બેડરૂમ સ્થિત તિજાેરીનો સામાન વેરવિખેર જાેતા ચોંકી ઉઠ્યા હતા. વધુ તપાસ કરતા નાની બહેનના સોનાના દાગીના તેમજ રોકડ રકમ જણાઇ આવી ન હતી. આ અંગે તેઓએ સમા પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી.
ઋષિકેશ બારોટે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તસ્કરો ઘરમાંથી સોનાનો સેટ, સોનાની ચેન, સોનાની બંગડી, સોનાની બુટ્ટી, રોકડ રકમ વિગેરે મળી રૂપિયા ૩,૯૭,૦૦૦ની કિંમતનો મુદ્દામાલ ચોરી ગયા છે. સમા પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા તસ્કરો સામે ચોરીનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. સમા વિસ્તારમાં આવેલી પ્રાંગણ સોસાયટીમાં બનેલા ચોરીના બનાવે ભારે ચકચાર જગાવી મૂકી છે.બીજી તરફ વડોદરા રેલવે સ્ટેશન ઉપર બાન્દ્રા-ભાવનગર એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલી મહિલા મુસાફરના ગળામાંથી રૂપિયા ૭૫ હજારની કિંમતની અઢી તોલાની સોનાની ચેન તોડી ગઠિયો ફરાર થઈ ગયો હતો.
વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે મહારાષ્ટ્રના વિરાટ પાલઘર ખાતે આવેલ ગાયકવાડી વૃંદાવન એપાર્ટમેન્ટમાં રહેતા પારૂલબેન રાજેશભાઇ પ્રજાપતિ ૧૨ જુલાઈના રોજ બોરીવલી થી સોનગઢ જવા માટે બાન્દ્રા-ભાવનગર એક્સપ્રેસમાં મુસાફરી કરી રહ્યા હતા.દરમિયાન મોડી રાત્રે વડોદરા રેલવે સ્ટેશન ઉપર ટ્રેન આવી ત્યારે પારૂલબેન પ્રજાપતિ પોતાની સીટ ઉપર સૂઈ રહ્યા હતા. તે સમયે કોઈ ગઠીયો બારીમાં હાથ નાખીને નિંદ્રાધીન પારુલબેન પ્રજાપતિના ગળામાંથી અઢી તોલાની સોનાની ચેન તોડી ફરાર થઈ ગયો હતો. ગળામાંથી સોનાની ચેઇન ખેચાતા તેઓએ બુમરાણ પણ મચાવી હતી. પરંતુ ટ્રેન ઉપડી ગઈ હોવાથી ગઠિયો હાથ લાગ્યો ન હતો. આ બનાવ અંગે પારુલબેન પ્રજાપતિએ રેલવે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા રેલવે પોલીસે રેલવે સ્ટેશન પરના સીસીટીવી ફૂટેજ મેળવી સોનાની ચેનની ચીલઝડપ કરી ફરાર થઈ ગયેલા ગઠીયાની શોધખોળ હાથ ધરી છે.