કચ્છમાં બોટ પલટી જતાં આર્મીના છ જવાન ડૂબતા બચ્યા
અમદાવાદ: અમદાવાદઃ કાશ્મીર સરહદે તણાવને પગલે કચ્છ સરહદ પર બોટ પેટ્રોલિંગ વધાર્યું છે. આ દરમિયાન સોમવારે કચ્છમાં કોરી ક્રીક વિસ્તારમાં બીએસએફના જવાનોએ ભારતીય સેનાના જવાનોને ડૂબતા બવાવ્યા હતા. સેનાના જવાનો નિયમિત અભ્યાસ કરી રહ્યા હતા
તે દરમિયાન સમુદ્રમાં અચાનક ઉઠેલી ઊંચી લહેરોને પગલે સેનાની બોટ પલટી ગઈ હતી. પરિણામે બોટમાં સવાર સેનાના છ જવાનો ડૂબવા લાગ્યા હતા. સરહદ પર સતત એલર્ટ પર રહેતા બીએસએફના જવાનોને આ દુર્ઘટના અંગે તરત જ ખબર પડી ગઈ હતી. જે બાદમાં તેઓ સ્પીડ બોટથી મદદ માટે દોડી ગયા હતા અને તમામ જવાનોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.
તમામ જવાનોને બચાવીને લક્કી નાલા કિનારે લઈ જવાયા હતા. અહીંથી એમ્બ્યુલન્સ મારફતે હૉસ્પિટલ ખસેડાયા હતા. સેનાના જવાનોનો જીવ બચાવવા માટે બીએસએફની ટૂકડીએ કરેલી ત્વરિત કાર્યવાહીને પગલે તેમને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવી છે. કચ્છની સરહદની સામે પાર પાકિસ્તાન નેવીના કમાન્ડો તૈનાત કરી રહ્યું હોવાના અહેવાલ બાદ બીએસએફ તરફથી કચ્છની સરહદે પેટ્રોલિંગ વધારી દેવાયું છે. આ અંગે બીએસએસફને ઇનપુટ મળ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
જાેકે, દર વર્ષે ૧૫મી ઓગસ્ટ નજીક આવે ત્યારે આમ પણ પેટ્રોલિંગ વધારવામાં આવે છે. સૂત્રોનું કહેવું છે કે કચ્છની સરહદે સામે પાર બીએસએફને ખાસ હિલચાલ જાેવા મળી છે. જેના પગલે ભારતે પણ પેટ્રોલિંગ વધારી દીધું છે. સામેની સરહદે પીએમસીના રેન્જર્સની જગ્યા નેવી કમાન્ડો લઈ રહ્યા હોવાના ઇનપુટ બીએસએફને મળ્યા બાદ પેટ્રોલિંગ વધારી દેવાયું છે. ઉલ્લેખનીય છે કે કચ્છની સરહદમાં રણ, દરિયો અને ક્રિકનો સમાવેશ થાય છે. જેમાંથી મોટાભાગના વિસ્તારની સુરક્ષા બીએસએફના જવાનો કરે છે.
કચ્છની સરહદે હંમેશા બીએસએફની ચુસ્ત સુરક્ષા રહે છે. તાજેતરમાં મળેલા ખાસ ઇનપુટ અને ૧૫મી ઓગસ્ટને લઈને પાકિસ્તાન તરફથી જાે કોઈ કાંકરીચાળો કરવામાં આવે તો તેનો જડબાતોડ જવાબ આપી શકાય તે માટે સુરક્ષા વધારવામાં આવી હોવાનું સૂત્રોનું કહેવું છે. તાજેતરમાં જમ્મુ-કાશ્મીર સરહદ ખાતે તણાવ જાેવા મળ્યો છે. જેમાં પાકિસ્તાની ડ્રોન પણ સરહદ નજીક ઉજતા જાેવા મળ્યા હતા. આ ઉપરાંત ડ્રોનથી એક બ્લાસ્ટ પણ કરવામાં આવ્યો હતો. જે બાદમાં સેના એલર્ટ પર છે.