દાર્જલિંગની યુવતી તદ્દન દિવ્યા ભારતી જેવી દેખાય છે
મુંબઈ: બોલિવુડ એક્ટ્રેસ દિવ્યા ભારતીએ ભલે થોડી ફિલ્મોમાં જ કામ કર્યું હોય, પરંતુ આજે પણ તેને યાદ કરવામાં આવે છે. દિવ્યા ભારતીએ પોતાની નાની કરિયરમાં માત્ર ૧૨ ફિલ્મો જ કરી હતી અને માત્ર ૧૯ વર્ષની ઉંમરે તેનું નિધન થઈ ગયું હતું. હવે, દિવ્યા ભારતી જેવી જ દેખાતી મંજુ થાપાની ચારે તરફ ચર્ચા થઈ રહી છે. તે ટૂંક સમયમાં જ બોલિવુડમાં ડેબ્યુ કરે તેવી શક્યતા છે. ચાલો જાણીએ કોણ છે મંજુ થાપા. મંજુ થાપા માત્ર દેખાવે જ દિવ્યા ભારતી જેવી નથી, પરંતુ તેનો જન્મ પણ એ જ દિવસે થયો હતો જે દિવસ દિવ્યા ભારતીનો જન્મ દિવસ છે.
દિવ્યા ભારતીનો જન્મ ૨૫ ફેબ્રુઆરી, ૧૯૭૪એ થયો હતો અને મંજુનો જન્મ ૨૫ ફેબ્રુઆરી, ૨૦૦૩એ થયો હતો. મંજુ થાપા દાર્જલિંગની રહેવાસી છે. તેનો જન્મ કોલકાતામાં થયો હતો. મંજુ જ્યારે માત્ર ૯ વર્ષની હતી ત્યારે તેના પિતા બલ બહાદુર થાપાનું નિધન થઈ ગયું હતું. હવે તે તેની માતા તૂલાસા થાપા સાથે રહે છે. મંજુને નાનપણથી જ એક્ટિંગમાં રસ છે. મંજુ થાપાને શરૂઆતથી એક્ટિંગ અને મોડલિંગમાં રસ રહ્યો છે.
માત્ર ૧૫ વર્ષની ઉંમરે મંજુ પ્લેનેટ મિસ ઈન્ડિયા વર્લ્ડ ૨૦૧૮, મિસ ટીન રિપબ્લિક ઓફ ઈન્ડિયા ૨૦૧૮ અને મિસ ગ્લોરી ઓફ નોટિસ ૨૦૧૮ જેવી બ્યૂટી કોન્ટેસ્ટ પોતાના નામે કરી ચૂકી છે. ગત વર્ષે લોકડાઉન દરમિયાન મંજુનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વિડીયોમાં મંજુ તદ્દન દિવ્યા ભારતી જેવી દેખાઈ રહી છે. ત્યારથી મંજુની પોપ્યુલારિટીમાં વધારો થવા લાગ્યો. તેની પોપ્યુલારિટીનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, ઈન્સ્ટાગ્રામ પર હાલમાં તેના ૩૧ હજારથી વધુ ફોલોવર્સ છે અને આ સંખ્યા ઝડપથી વધી રહી છે.