ગઠિયો કારનું ટાયર કાઢીને રફુચક્કર થઇ ગયો
મહિલા ડોક્ટરે સોસાયટીના ગેટ પાસે પાર્ક કરેલી કારનું ટાયર ચોરાઇ ગયું
અમદાવાદ, વાહનચોર ટોળકીએ હવે નવતર કારસો અજમાવ્યો છે. રાતના અંધારામાં પાર્ક કરેલી કારના ટાયર ચોરી કરી ફરાર થઇ જતી ગેંગ સક્રિય થઇ છે. આંબાવાડી વિસ્તારમાં મહિલા ડોક્ટરે સોસાયટીના ગેટ પાસે પાર્ક કરેલી કારનું ટાયર ગઠિયો ચોરી ફરાર થઇ ગયો હોવાની ઘટના સામે આવી છે. સેટેલાઇટ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આંબાવાડીના વૈભવ-૨માં રહેતા શિલ્પાબહેન ટોસનીવાલે અજાણ્યા ગઠિયા વિરૂદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી છે. શિલ્પાબહેન નવકાર હોસ્પિટલમાં એમ.ડી. ડોક્ટર છે. શિલ્પાબહેન પાસે એક ટોયોટા ગ્લાન્ઝા કંપનીની કાર છે.
થોડા દિવસ પહેલાં શિલ્પાબહેન તેમનાં ઘરે રાબેતા મુજબ કચ્છી ભવન પાસે આવેલ મિડકલ સેન્ટરમાં પોતાની કાર લઇને ગયા હતા.
સાંજના પરત તેઓ ઘરે કાર લઇ આવ્યા હતા. ત્યારે તેમણે તેમની કાર સોસાયટીના ગેટની બાજુમાં રોડ પર પાર્ક કરી હતી. બીજા દિવસે શિલ્પાબહેન કોઇ કામ ન હોવાથી તેમની કાર ત્યાં જ પાર્ક કરી રાખી હતી. ગઇકાલે શિલ્પાબહેન રાબેતા મુજબ તેમના મેડિકલ સેન્ટરમાં જવા માટે કારમાં બેસીને કાર ચાલુ કરતાં હતાં પરંતુ કાર આગળ જતી ન હતી.
જેથી શિલ્પાબહેને કારમાંથી નીચે ઊતરીને જાેયું તો ખાલી સાઇડનું ટાયર જાેઇને ચોંકી ગયા હતા. કોઇ ગઠિયો કારનું પંદર હજારનું ટાયર કાઢીને રફુચક્કર થઇ ગયો હતો. શિલ્પાબહેને આ અંગે પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ ગઠિયા વિરૂદ્ધ સેટેલાઇટ પોલીસે સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ બોડકદેવ વિસ્તારમાં એક વેપારીને કારમાંથી ચાર ટાયરો ચોરાયા હતા.